સાઉથ આફ્રિકાને ભારતે 243 રને હરાવ્યું, જાડેજાની 5 વિકેટ, કોહલીની સદી

November 05, 2023

ભારતનો સ્કોર : 50 ઓવરમાં 326/5, કોહલીએ સદી ફટકારીને તેંડુલકરના રેકોર્ડ બરાબરી કરી, ઐય્યરના 77 રન

સાઉથ આફ્રિકાનો સ્કોર : 27.1 ઓવરમાં 83/10, એનગિડી-જેન્સેન-રબાડા-મહારાજ-શમ્સીની 1-1 વિકેટ

કોલકાતા : આજે વર્લ્ડકપ 2023ની 37મી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 243 રને હાર આપી છે. આ સાથે ભારતે સાઉથ આફ્રિકા સામે હાઈએસ્ટ માર્જીનથી જીતનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલી મેચમાં ભારતે નિર્ધારીત 50 ઓવરમાં 5 વિકેટે 326 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 27.1 ઓવરમાં માત્ર 83 રને ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં વિરાટ કોહલી, ઐય્યર અને રવિન્દ્ર જાડેજાએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. કોહલીએ સદી ફટકારી છે, તો ઐય્યરે ફિફ્ટી ફટકારી ભારતને મોટો સ્કોર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું, જ્યારે આજે બોલર રવિન્દ્ર જાડેજાનો પણ જાદુ જોવા મળ્યો છે. જાડેજાએ 5 વિકેટ ઝડપી આફ્રિકાના સસ્તામાં ઓલઆઉટ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ભારતે વર્લ્ડકપમાં સતત 8 મેચ, જ્યારે સાઉથ આફ્રિકાએ 8માંથી 6 મેચ જીતી છે. પોઈન્ટ્સ ટેબલ પર ભારત પ્રથમ જયારે સાઉથ આફ્રિકા બીજા સ્થાને છે. આ અગાઉ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. 
આજની મેચમાં 'કિંગ વિરાટ કોહલી'એ ફેન્સને બર્થડે ગિફ્ટ આપી 49મી સદી ફટકારી છે. આ સાથે જ કોહલીએ સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસે ફેન્સને મોટી બર્થડે ગિફ્ટ આપી છે. કિંગ કોહલીએ વનડે ક્રિકેટમાં 49 સદી ફટકારી છે. સાઉથ આફ્રિકાની સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી છે. મહત્વનું છે કે, આ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે સચિન તેંડુલકર સાથે બરાબરી કરી લીધી છે. સચિને 49 વનડે સદી ફટકારી છે. જ્યારે હવે વિરાટે પણ વનડે મેચમાં 49 સદી ફટકારી છે. કોહલી પોતાના જન્મદિવસ પર પ્રશંસકોને સદીની ભેટ આપી છે.

આજની મેચમાં વિરાટ કોહલીએ 101 રન (121 બોલ, 10 ફોર) શ્રેયસ ઐય્યરે 77 રન (87 બોલ, 7 ફોર, 4 સિક્સ), રોહિત શર્માએ 40 રન (24 બોલ, 6 ફોર, 2 સિક્સ) ફટકારી દક્ષિણ આફ્રિકા સામે મજબુત સ્કોર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ અણનમ 29 રન, શુભમન ગીલે 23 રન, સૂર્યકુમાર યાદવે 22 રન જ્યારે કે.એલ.રાહુલે 8 રન નોંધાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજાએ આજે 5 વિકેટ ખેરવી છે, જ્યારે મોહમ્મદ સામી અને કુલદીપ યાદવે 2-2 જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ ખેરવી છે.