શેરબજારમાં અબજોનું નુકસાન છતાં અમેરિકા પર જવાબી ટેરિફ નહીં લગાવે ભારત: રિપોર્ટમાં દાવો

April 07, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 26 ટકા ટેરિફના આદેશ બાદ ભારતીય શેરબજારમાં આજે મિનિટોમાં 20 લાખ કરોડનું નુકસાન થયું છે. ભારતીય ઉદ્યોગોમાં મંદીની ભીતિ વર્તાઈ છે. તેમ છતાં ભારત સરકારે અમેરિકા સામે ટ્રેડવૉર ન છેડવાનો નિર્ણય લીધો છે.  સરકારે સત્તાવાર ધોરણે મીડિયાને જણાવ્યું હતું કે, ભારત અમેરિકા પર સામો ટેરિફ લાદશે નહીં. અમે દ્વિપક્ષીય વેપાર કરારો પર ધ્યાન કેન્દ્રિત કરતાં આ મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટેરિફ મુદ્દે યોગ્ય ઉકેલ લાવવા પ્રયત્નશીલ છીએ.કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગત સપ્તાહે ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલા એક્ઝિક્યુટીવ ઓર્ડરમાં અમે એક મુખ્ય કલમ પર આધાર રાખી રહ્યા છીએ. જે  "બિન-પરસ્પર વેપાર વ્યવસ્થાઓમાં સુધારા માટે મહત્ત્વપૂર્ણ પગલાં લેનારા" દેશોને રાહત આપે છે. ભારતને રાહત છે કે, તે અમેરિકા સાથે વેપાર કરાર પર વાટાઘાટો શરુ કરનારા પ્રથમ દેશોમાંનો એક છે. તેમજ ભારત કરતાં અન્ય એશિયન દેશો જેમ કે ચીન (34%), વિયેતનામ (46%) અને ઇન્ડોનેશિયા (32%) ઊંચા ટેરિફથી પ્રભાવિત થયા છે. ટ્રમ્પના ટેરિફ વૉરનો સામનો કરતાં ચીન અને કેનેડા સહિત ઘણા દેશો સામો જવાબ આપવા તૈયાર છે. જેમાં ચીને 10 એપ્રિલથી જ તમામ આયાત પર 34% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. બીજી તરફ ઈન્ડોનેશિયાએ કોઈ બદલો લેવાની ભાવના ન હોવાનું નિવેદન આપ્યું છે. વિયેતનામે પણ સંભવિત વેપાર કરારમાં તેના ટેરિફને શૂન્ય કરવા સંમતિ દર્શાવી છે. ઉલ્લેખનીય છે, ભારતે પણ અમેરિકા પર સંભવિત ટેરિફ ઘટાડવાની તૈયારી દર્શાવી હતી. તેમ છતાં ગત સપ્તાહે ટ્રમ્પે ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો હોવાની જાહેરાત કરી હતી.