વક્ફ બિલ મુદ્દે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં ઘમસાણની શક્યતા, 10 અરજી દાખલ, CJIનું રિએક્શન

April 07, 2025

સુપ્રીમ કોર્ટમાં વક્ફ બોર્ડ સુધારા ઍક્ટ 2025 વિરૂદ્ધ અત્યારસુધીમાં 10 અપીલ નોંધાઈ છે. તમામ અરજીમાં એક કારણ દર્શાવવામાં આવ્યું છે કે, તે મુસલમાનોની ધાર્મિક સ્વતંત્રતાને છીનવી લેવાનું ષડયંત્ર છે. તમામ અરજીમાં આ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની માગ થઈ છે. અરજદારોએ સુપ્રીમ કોર્ટને આ મામલે ઝડપથી સુનાવણી કરવા અપીલ કરી છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા આ કેસને CJI સંજીવ ખન્નાની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. CJIએ કહ્યું કે, અમે બપોરે તમારી મેન્શનિંગ મુદ્દે વિચાર કરીશું. સુપ્રીમ કોર્ટમાં અત્યારસુધી કોંગ્રેસ સાંસદ મોહમ્મદ જાવેદ, AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન, ઍસોસિએશન ફોર ધ પ્રોટેક્શન ઑફ સિવિલ રાઇટ્સ, જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદની, કેરળની ટોચની મુસ્લિમ સંસ્થા સમસ્થ કેરલ જમિયથુલ ઉલેમા, એસડીપીઆઇ, તૈય્યબ ખાન સલામીન, અંજુમ કાદરી અને ઇન્ડિયન મુસ્લિમ લીગે વક્ફ બોર્ડ સુધારા ઍક્ટ 2025 વિરુદ્ધ અરજી કરી છે. બિહારના કિશનગંજમાંથી કોંગ્રેસ સાંસદ મોહમ્મદ જાવેદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે જ વક્ફ  કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જાવેદ વક્ફ સુધારા બિલની સમીક્ષા કરનારી જેપીસીના સભ્ય પણ હતા. આ બંને નેતાઓએ બિલ પર રાષ્ટ્રપતિની મંજૂરી મળે તે પહેલાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દીધી હતી. તદુપરાંત શનિવારે AAPના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને APSRએ પણ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી. જમિયત ઉલેમા-એ-હિન્દ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે(AIMPLB) સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તેને ગેરબંધારણીય જાહેર કરવા માગ કરી હતી. તેમણે કહ્યું કે, આ કાયદો દેશના બંધારણ પર સીધો પ્રહાર છે. વક્ફ સુધારા ઍક્ટનો વિપક્ષ સતત વિરોધ કરી રહ્યો છે. આરજેડી, ડીએમકે, કોંગ્રેસ સહિત વિવિધ વિપક્ષોએ આ કાયદાને બંધારણની વિરુદ્ધ દર્શાવ્યો છે. હવે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે ક્યારે સુનાવણી થશે તે જોવાનું રહેશે.