વકફ બિલને સમર્થન આપતા દિલ્હીના શાહીન બાગના લોકોએ પીએમ મોદીનો માન્યો આભાર

April 07, 2025

વકફ સુધારા બિલ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે કાયદાનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. વકફ સુધારા બિલને જેપીસી, પછી લોકસભા અને પછી રાજ્યસભામાં કુલ 16 કલાકની ચર્ચા અને ત્યારબાદ પસાર થયા બાદ, તેને રાષ્ટ્રપતિ તરફથી પણ મંજૂરી મળી ગઈ છે. વકફ સુધારા બિલને લઈનો મોટાભાગના લોકોએ સમર્થન આપ્યું છે. જ્યારે વિપક્ષ અને કેટલાક અસંતુષ્ટોએ બિલને સુપ્રીમમાં પડકાર્યું છે.

દિલ્હીના શાહીન બાગ અનેક બાબતોમાં વિવાદમાં આવ્યો છે. પરંતુ આજે દિલ્હી શાહીન બાગના લોકો પણ વક્ફ બિલના સમર્થન જાહેર કર્યું છે. શાહીન બાગના લોકો પોતાનું સમર્થન જાહેર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે લોકો શાહીન બાગમાંથી વક્ફના સમર્થનમાં લખાયેલા આભાર પત્રો એકત્રિત કરીને વડા પ્રધાન મોદીને સોંપશે.

ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે હું શાહીન બાગના લોકો વક્ફ બિલને સમર્થન આપી રહ્યા છે તેમની પાસેથી 'આભાર પત્રો' એકત્રિત કરી રહ્યો છું. આ સાથે વકફ બિલને લઈને જે અફવાઓ ફેલાવવામાં આવે છે તે દૂર કરવા અમારા કાર્યકરો અને સંગઠનો દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.

હું તમામ પત્રો એકત્રિત કરીશ અને બાદમાં પ્રધાનમંત્રી મોદીને સુપરત કરીશ. વધુમાં તેમણે કહ્યું કે આખી દુનિયામાં શાહીન બાગને બદનામ કરવામાં આવ્યું હતું, મુસ્લિમો અને ઇસ્લામને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જમાલ સિદ્દીકીએ વધુમાં કહ્યું કે આજે આ શાહીન બાગથી, આપણા ભાઈઓ અને બહેનો વક્ફ બિલના સમર્થનમાં પીએમ મોદીને આભાર પત્ર સુપરત કરશે.