શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 3915 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 1150 પોઇન્ટનો કડાકો

April 07, 2025

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉરની ભારતીય શેરબજાર પર ભયંકર અસર દેખાઈ છે. વિશ્વના બજારો તૂટવાની શ્રેણીમાં હવે ભારતના સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ જે અગાઉ 75364 પોઈન્ટ પર બંધ થયો હતો તેમાં એક ઝાટકે 3914.75નો કડાકો નોંધાઈ જતાં સેન્સેક્સ સીધો 71449.94 પર આવી ગયો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 1150 પોઇન્ટનો મોટો કડાકો નોંધાતા રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. પ્રી ઓપનિંગ સેશનમાં જ નિફ્ટી ગગડીને સીધો 21758 પર પહોંચી ગયો હતો. 

આ કડાકાનું કારણ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેરિફ પોલિસી અને વૈશ્વિક બજારમાં તેના કારણે ફેલાયેલો ડર મનાઈ રહ્યું છે. અગાઉ જાપાન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયન શેરમાર્કેટમાં પણ કડાકાની સ્થિતિ દેખાઈ હતી જેનાથી સ્પષ્ટ છે કે ટ્રેડ વૉરની ચિંતા હવે દુનિયાભરને હચમચાવી રહી છે.

સોમવારે ભારતીય શેરબજારને પહેલાથી જ નબળા વૈશ્વિક સંકેતો મળી ગયા હતા. ખરેખર, એશિયન શેરબજારોમાં ભારે કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે. હોંગકોંગનો હેંગ સેંગ 9 ટકાથી વધુ તૂટી ગયો હતો, જ્યારે જાપાનનો નિક્કેઈ પણ એકઝાટકે 8 ટકાથી વધુ ઘટ્યો હતો. દરમિયાન, વહેલી સવારે ગિફ્ટ નિફ્ટી તો શરૂઆતના ટ્રેડિંગમાં જ તે 900 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો જેના લીધે ભારતીય શેરબજારમાં ભૂકંપ આવશે તેવા સંકેત પહેલાથી મળી ગયા હતા. 

સોમવારના દિવસે વેપારની શરૂઆતમાં જ બીએસઈનો લાર્જકેપ ઈન્ડેક્સ સંપૂર્ણપણે બ્લડબાથમાં સંપડાયેલો રહ્યો. તમામ 30 મોટી કંપનીઓના શેર્સમાં મોટા કડાકાની સ્થિતિ દેખાઈ. દરમિયાન સૌથી મોટો કડાકો ટાટા સ્ટીલના સ્ટોક્સમાં દેખાયો જે 10.43% સુધી ક્રેશ કરી 125.80 રૂપિયા પર આવી ગયા હતા. આ ઉપરાંત  તાતા મોટર્સ (8.29%), ઈન્ફોસિસ (7.01%), ટેક મહિન્દ્રા(6.85%), એલએન્ડટી (6.19%) એચસીએલ ટેક (5.95%), અદાણી પોર્ટ (5.54%), ટીસીએસ (4.99%) રિલાયન્સ (4.55%) અને એનટીપીસીના શેર્સમાં (4.04%) નો કડાકો બોલાઈ ગયો હતો.