દેશમાં યુનિફોર્મ સિવિલ કૉડનો કાયદો બનાવવા કર્ણાટક હાઈકોર્ટનો સરકારને અનુરોધ

April 07, 2025

કર્ણાટક હાઈકોર્ટ દ્વારા સંસદ અને રાજ્યની વિધાનસભાઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેનાં દ્વારા દેશમાં યુનિફોર્મ સિવિલ કૉડ (UCC) નો કાયદો ઘડવામાં આવે. દેશનાં વ્યક્તિગત કાયદાઓ અને ધર્મનાં સંબંધમાં યુનિફોર્મ સિવિલ કોડની ખાસ જરૂર છે. જો યુસીસીનો કાયદો ઘડવામાં આવશે તો જ બંધારણની કલમ 14નો હેતુ પરિપૂર્ણ કરી શકાશે.

જસ્ટિસ હંચતે સંજીવકુમારની સિંગલ જજ બેન્ચે એક મૃતક મહિલા શહનાઝ બેગમનાં ભાઈ તેમજ બહેનો અને પતિ વચ્ચે સંપત્તિનાં વિવાદને લગતા એક દીવાની કેસમાં અપીલ અંગે સુનાવણી કરતી વખતે કોર્ટે આ ભલામણ કરી હતી. કોર્ટે કહ્યું કે દેશનાં વ્યક્તિગત કાયદાઓ તેમજ ધર્મનાં સંબંધમાં યુસીસીની ખાસ જરૂર છે.

આ કેસમાં વ્યક્તિગત ધાર્મિક કાયદાથી શાસિત ઉત્તરાધિકારનાં કાયદાઓ તેમજ લૈંગિક ન્યાય પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જસ્ટિસ કુમારે ભારપૂર્વક કહ્યું હતું કે બંધારણની કલમ 44 હેઠળ સમાન નાગરિક સંહિતાનાં અધિનિયમમાં નક્કી કરવામાં આદર્શો એટલે કે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ તેમજ રાષ્ટ્રીય એકતાની જરૂરિયાત પૂરી કરશે.