કેનેડામાં ચપ્પાના ઘાથી મૃત્યુ પામેલો યુવક ગુજરાતી નીકળ્યો, પત્નીને બચાવવા જતાં પાડોશીના હુમલામાં મોત

April 07, 2025

મોટાવરાછા વિસ્તારમાં રહેતા કથીરીયા પરિવારના યુવાનની કેનેડામાં ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ છે. કેનેડાના ઓન્ટોરીયામાં પત્ની સાથે સ્થાયી થયેલા યુવાન ઉપર શુક્રવારે પડોશી યુવાને હુમલો કર્યો હતો. દંપતી
ઘરના વાડામાં વોશીંગ મશીનમાં કપડાં ધોઈ રહ્યું હતું તે દરમિયાન યુવાન ઉપર હુમલો કરી પાડોશીએ પત્ની ઉપર પણ હુમલો કરવાની કોશીશ કરી હતી. પત્નીને બચાવવા જવા જતાં યુવાન ઉપર બીજી વખત હુમલો થયો હતો. ચપ્પુના
ઉપરા-ઉપરી બે ઘા ઝીંકાતા તે લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો.

મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા નોંગણવદર ગામના વતની અને સુરતમાં મોટાવરાછા વિસ્તારમાં આવેલા ઓમકાર રેસીડેન્સીમાં રહેતા વલ્લભભાઈ કથીરીયાનો પુત્ર ધર્મેશ પાંચ વર્ષ અગાઉ અભ્યાસ અર્થે સુરતથી
કેનેડા ગયો હતો. અભ્યાસ પૂર્ણ કરી કેનેડાના જ પીઆર લઈ તે ઓન્ટેરીયા સિટીમાં સ્થાયી થયો હતો. 

ધર્મેશે કેનેડામાં પોતાનો નાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ શરૂ કર્યો હતો. દોઢ વર્ષ અગાઉ સુરત આવી રવિના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પત્ની સાથે કેનેડા પહોંચેલું નવદંપતી હળીમળીને  પોતાનો સ્ટોર્સ ચલાવી રહ્યું હતું.
દરમિયાન શુક્રવારે સવારે તેમના જીવનમાં અણધાર્યો વળાંક આવી ગયો હતો. 

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, ધર્મેશ અને તેની પત્ની રવીના શુક્રવારે સવારે ઘરના વાડામાં પડોશી સાથેના સંયુક્ત વોશીંગ મશીનમાં કપડા ધોઈ રહ્યાં હતા. તે દરમિયાન અચાનક પડોશી યુવાન તેમની તરફ ચપ્પુ લઈ ધસી
આવ્યો હતો. દંપતી કંઈ સમજે તે પહેલા જ પડોશી યુવાને ધર્મેશ ઉપર એકાએક ચપ્પુથી જીવલેણ હુમલો કરી દીધો હતો. ચપ્પુનો ઘા વાગતા ધર્મેશ ઘાયલ થયો હતો. પડોશી યુવાન આટલેથી નહીં અટકી રવિના ઉપર પણ હુમલો કરવા
આગળ વધ્યો હતો.

પત્ની ઉપર થઈ રહેલા હુમલાને જોઈ ધર્મેશ રવિનાને બચાવવા દોડ્યો હતો. હુમલાખોર પડોશીનો પ્રતિકાર કરવા જવા તેને ચપ્પુનો વધુ એક ઘા વાગ્યો હતો. આ સાથે જ તે લોહીલુહાણ થઈ સ્થળ ઉપર ફસડાઈ પડ્યો હતો. ધર્મેશને
લોહીથી લથપથ થયેલો જોઈ હુમલાખોર ફરાર થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સમાચાર આવ્યા હતા કે કેનેડાના રૉકલેન્ડ વિસ્તારમાં શનિવારે (5 એપ્રિલ) એક ભારતીય નાગરિકની ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી છે. કેનેડામાં ભારતીય દૂતાવાસે આ વિશે જાણકારી આપી હતી.
દૂતાવાસ અનુસાર, એક શંકાસ્પદ શખસની અટકાયત કરવામાં આવી હતી.

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, ‘અમે રૉકલેન્ડમાં ભારતીય નાગરિકની ચાકૂ મારીને કરવામાં આવેલી હત્યાથી ખૂબ દુઃખી છીએ. પોલીસે જણાવ્યું છે કે, એક શંકાસ્પદ શખસની અટકાયત
કરવામાં આવી છે. અમે સ્થાનિક સમુદાય દ્વારા શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ.’