ઈઝરાયલનો ગાઝાની અલ-અક્સા હોસ્પિટલ ઉપર હુમલો : 47 લોકોનાં મોત

November 12, 2024

ઈઝરાયલે એકવાર ફરીથી મધ્ય ગાઝાની અલ-અક્સા હોસ્પિટલ ઉપર સાત માસમાં આઠમો હુમલો કર્યો છે. આ ભયંકર હુમલામાં ત્રણ પેલેસ્ટાઈન નાગરિકો મોતને ભેટયા છે. એક પત્રકાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ રીતે છેલ્લા 24 કલાકમાં ઈઝરાયલે કરેલા હુમલામાં 47 પેલેસ્ટાઈન નાગરિકોના મોત થયા છે. જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ગાઝા પટ્ટીમાં આવેલી અલ-અક્સા હોસ્પિટલની ઈમરજન્સી બિલ્ડિંગની બહાર થયેલા આ હુમલા બાદ લોકો ડરના માર્યા નાસભાગ કરતા જોવા મળ્યાં હતાં. આ દરમિયાન ઈઝરાયલનું હેલિકોપ્ટર ઉપરથી ફાયરિંગ કરતું જોવા મળ્યું હતું. ઈઝરાયલી સેનાના વિમાનોએ અહીં બેઘર લોકોને આશરો આપતા ટેન્ટને પણ નિશાન બનાવ્યું હતું. જેમાં બે પેલેસ્ટાઈનનાં મોત થયા છે.

આ હુમલા બાદ ઈઝરાયલી સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે હમાસના લડવૈયાઓ હોસ્પિટલ સંકુલમાં છુપાયેલા છે. તેમને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે હોસ્પિટલ પરિસરમાં હમાસના કોઈ લડવૈયા ન હતા. હુમલા દરમિયાન, હોસ્પિટલમાં માત્ર દર્દીઓ અને લોકો આશ્રય લઈ રહ્યા હતા. ઈઝરાયલે આ લોકોને જ નિશાન બનાવ્યા હતા.