ગાઝા અને લેબેનોનમાં ઈઝરાયલનો ભયાનક તોપમારો, 55 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

April 28, 2025

આતંકી સંગઠન હમાસના હુમલા બાદ ઇઝરાયેલે ગાઝા પર જે હુમલા શરૂ કર્યા હતા તે હજુ પણ ચાલુ છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટીનો સંપૂર્ણ સફાયો કરી નાખ્યો છે, અત્યાર સુધીના આ હુમલાઓમાં ગાઝામાં છેલ્લા 18 મહિનામાં માર્યા ગયેલા નાગરિકોની સંખ્યા 52000ને પાર પહોંચી ગઇ છે. ઇઝરાયેલ દ્વારા ગાઝા ઉપરાંત લેબેનોન પર પણ હવાઇ હુમલો કરાયો હતો. આ બન્ને હુમલામાં વધુ 55 લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો ઘવાયા છે.  

હમાસે ઇઝરાયેલના અનેક લોકોને બંધક બનાવી રાખ્યા હતા, જેમાંથી હજુ પણ કેટલાકને છોડવામાં નથી આવ્યા. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શાંતિ કરારો થયા હતા. જોકે હમાસે બાકી રહેલા બંધકોને ના છોડતા હવે ઇઝરાયેલે આ કરારોનો ભંગ કરીને ફરી હુમલા શરૂ કરી દીધા છે. એક તરફ ગાઝા પર હવાઇ હુમલા બીજી તરફ ગાઝામાં પુરો પડાતો સપ્લાય પુરવઠો ઇઝરાયેલે છેલ્લા બે મહિનાથી અટકાવી રાખ્યો છે જેને પગલે હાલ ગાઝામાં ભુખમરો ફાટી નીકળ્યો છે.