ગેમ ચેન્જર' અને 'પુષ્પા-2'ના નિર્માતાઓના ઘરે IT દરોડા

January 22, 2025

આવકવેરા અધિકારીઓએ મંગળવારે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા નિર્માતાઓના ઘરે અને ઓફિસો પર દરોડા પાડયા હતા. જેમાં મુખ્ય ફિલ્મ નિર્માતા દિલ રાજુ અને પુષ્પા-2ના નિર્માતાઓના નામ પણ સામેલ છે. તાજેતરમાં જ મકરસંક્રાંતિએ દિલ રાજુના પ્રોડક્શનમાં બનેલી બે મોટી ફિલ્મો ગેમ ચેન્જર અને સંક્રાંતિકી વસ્થુન્નમ નામની ફિલ્મનું નિર્માણ કર્યું હતું. તેઓ અત્યારે તેલંગાણા ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેન તરીકે કાર્યરત છે.

દિલ રાજુની સાથે જ તેમના વ્યાવસાયિક ભાગીદાર અને નિર્માતા સિરિશના ઘરે અને તેમની પુત્રી હંસિતા રેડ્ડીના ઘરે પણ આવકવેરા વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા. આ ઉપરાંત, પુષ્પા-2 - ધ રૂલ બનાવનાર મૈત્રી મૂવી મેકર્સના સ્થળોએ પણ તપાસ કરવામાં આવી છે. આ પ્રોડક્શન હાઉસના નિર્માતા નવીન યરનેની અને યાલામનચિલી રવિશંકર તથા તેમના સીઇઓ ચેરીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

સૂત્રો અનુસાર, આ ઓપરેશનમાં આવકવેરા વિભાગની 55 ટીમોના સભ્યોએ આઠ સ્થળોએ દરોડા પાડયા. દરોડાના કેન્દ્રમાં દિલ રાજુ હતા.તેમના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડ કરતાં વધારે કમાણી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરોડા એક વ્યાપક તપાસનો ભાગ છે.