જાડેજા-અશ્વિન છવાયા, ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું, શ્રેણીમાં 2-0થી આગળ

February 19, 2023

દિલ્હીઃ IND vs AUS: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની બીજી ટેસ્ટ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં રમાયેલા આ મુકાબલામાં ભારતીય ટીમે છ વિકેટે જીત મેળવી છે. આ ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા જરૂર મજબૂત સ્થિતિમાં હતી પરંતુ ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આ જીત સાથે ભારતે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે.

આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીત્યો હતો. તેણે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. ઉસ્માન ખ્વાજા (81) અને પીટર હેન્ડ્સકોમ્બ (72) સિવાય અન્ય કોઈ બેટ્સમેન અહીં ટકી શક્યો નહોતો અને ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4 અને જાડેજા અને અશ્વિને 3-3 વિકેટ ઝડપી હતી. આ પછી પ્રથમ દિવસે ભારતીય ટીમે પણ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવી લીધા હતા.


બીજા દિવસની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાના સ્પિનરો ભારતીય બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવતા જોવા મળ્યા હતા. હાલત એવી હતી કે ભારતીય ટીમ 139 રનમાં 7 વિકેટ ગુમાવીને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી. અહીંથી, અક્ષર પટેલ અને આર અશ્વિને 114 રનની ભાગીદારી કરીને ભારતીય ટીમને ફરી જીવંત કરી હતી. આ ભાગીદારીના કારણે ભારતીય ટીમે પ્રથમ દાવમાં 262 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને 5 અને ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેનને 2-2 વિકેટ મળી હતી.