ચીનની હરકત પર જાપાન ગુસ્સે ભરાયું, ડ્રેગને કહ્યું - અમે તો પહેલા જ જણાવી દીધું હતું

December 07, 2025

: લડાકુ વિમાનો પર મિસાઇલ લૉક કરવાના મુદ્દે જાપાન અને ચીન ફરી એકવાર આમને-સામને આવી ગયા છે. જાપાનનો આરોપ છે કે ચીનના વિમાનવાહક જહાજ લિયાઓનિંગમાંથી ઉડાન ભરનાર એક સૈન્ય વિમાને જાપાનના ઓકિનાવા પાસે જાપાની લડાકુ વિમાનો પર પોતાનું 'રડાર લૉક' કર્યું હતું. આ મુદ્દે જાપાને ચીન સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે.


'રડાર લૉક'નો અર્થ એ થાય છે કે, કોઈ સૈન્ય વિમાન પોતાના રડારને બીજા વિમાન કે લક્ષ્ય પર એ રીતે કેન્દ્રિત કરે કે તે તેની ચોક્કસ સ્થિતિ, ગતિ અને દિશા પર સતત નજર રાખી શકે, જે હુમલાની તૈયારીનો સંકેત છે. જાપાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે ચીનના સૈન્ય વિમાન જે-15 એ શનિવારે બે અલગ-અલગ સમયે જાપાની એફ-15 લડાકુ વિમાનો પર પોતાનું રડાર લૉક કર્યું હતું. મંત્રાલયના જણાવ્યા મુજબ, એકવાર બપોરે લગભગ ત્રણ મિનિટ માટે અને પછી સાંજે લગભગ 30 મિનિટ માટે આવું કરવામાં આવ્યું હતું. આ ઘટના ચીન તરફથી હવાઈ ક્ષેત્રના સંભવિત ઉલ્લંઘન સામે પ્રતિક્રિયા આપનાર જાપાની લડાકુ વિમાનો પર થઈ હતી.


જાપાનના રક્ષા મંત્રી શિન્જીરો કોઈઝુમીએ રવિવારે સવારે પત્રકારોને જણાવ્યું કે જાપાને ચીન સમક્ષ વિરોધ નોંધાવ્યો છે અને તેને 'એક ખતરનાક કૃત્ય' ગણાવ્યું છે, જે સુરક્ષિત વિમાન સંચાલનના નિયમોની વિરુદ્ધ છે. તેમણે કહ્યું, "આવી ઘટના અત્યંત નિંદનીય છે. અમે ચીની પક્ષ સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે અને આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે." જોકે, જાપાની હવાઈ ક્ષેત્રનું કોઈ ઉલ્લંઘન થયું ન હતું અને કોઈ નુકસાનના સમાચાર નથી.