હવામાનને કારણે સ્થગિત કરવી પડેલી કેદારનાથ યાત્રા ફરી શરૂ

August 02, 2025

ઉત્તરાખંડમાં હવામાનને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરવી પડી હતી તે હવે  ફરીથી સુચારુ રુપે શરૂ થઇ છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ગૌરીકુંડથી સોનપ્રયાગ વચ્ચેનો મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ થઇ ગયો હતો. .દોઢ કિમીની એરિયામાં પહોડો પરથી ભેખડો ધસી પડવાને કારણે 50 થી 60 મીટર જેટલો કાટમાળ જમા થઇ જતા યાત્રિકો પદયાત્રા કરી શક્યા ન હતા. જો કે તંત્ર દ્વારા રસ્તો ક્લિયર કરી દેવાતા 3 દિવસ બાદ આજે યાત્રા શરૂ થઇ છે. 

આજે રસ્તા પરથી કાટમાળ હટાવી દેતા યાત્રિકો પગપાળા આગળ વધી રહ્યા છે. અવર જવર સુચારુ થતા સોનપ્રયાગથી યાત્રિઓનું ગ્રુપ કેદારનાથ માટે રવાના થયુ છે. આ અંગે રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષકે જાણકારી આપતા કહ્યું કે ક્ષતિગ્રસ્ત થયેલા સ્થળો પર વાહનોના આગમન શરૂ થવા સુધી લગભગ 22 કિમી સુધી કેદારનાથ ધામની યાત્રા પગપાળા કરવી પડશે.

વરસાદ થવાને કારણે યાત્રિકોને સુરક્ષાની દ્રષ્ટિએ રોકી રખાયા હતા. જો કે આજે શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. પરંતુ તેઓને એક અપીલ પણ કરવામાં આવી છે કે તેઓ હવામાનની આગાહી અનુસાર પોતાની યાત્રા કરે.