અમેરિકામાં બેરોજગારીની પોલ ખોલનારા અધિકારીને ટ્રમ્પે તગેડી મૂક્યાં, આંકડામાં હેરફેરનો આરોપ મૂક્યો

August 02, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે બ્યુરો ઑફ લેબર સ્ટેટિસ્ટિક્સ (BLS)ના કમિશનર એરિકા મેકએન્ટાર્ફરને બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી જુલાઈ મહિનાના રોજગાર રિપોર્ટ આવ્યા બાદ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં નોકરીમાં વૃદ્ધિ ધીમી થવા અને મે-જૂનના આંકડામાં ભારે ઘટાડાની જાણકારી સામે આવી છે. ટ્રમ્પે પુરાવા વિના દાવો કર્યા કે, આ આંકડા રાજકીય કારણોસર હેરફેર કરવામાં આવ્યા છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલા બીએલએસના માસિક રોજગાર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, જુલાઈમાં ફક્ત 73,000 નવી નોકરી મળી છે, જે બજારની અપેક્ષાથી ઘણી ઓછી હતી. આ સિવાય, મે મહિનામાં નોકરીની સંખ્યા પહેલાં 1,25,000 સંબોધિત કરીને 19,000 અને જૂનમાં 1,47,000થી 14000 કરી દેવાઈ છે. આ સંસોધન બાદ મે અને જૂનમાં કુલ 2,58,000 ઓછી નોકરીઓ ઊભી થવાનું સામે આવ્યું છે. બેરોજગારી દર પણ 4.1%થી વધીને 4.2% થયો હતો. જોકે, આ હજુ પણ અપેક્ષાથી ઓછું માનવામાં આવે છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને મેકએન્ટાર્ફર પર આંકડામાં હેરફેર કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે લખ્યું કે, 'મેં મારી ટીમને આ બાઇડન દ્વારા નિયુક્ત રાજકીય વ્યક્તિને તાત્કાલિક બરતરફ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમની જગ્યાએ વધુ સક્ષમ અને યોગ્ય વ્યક્તિને નિયુક્ત કરવામાં આવશે. રિપબ્લિકન અને મને ખરાબ બતાવવા માટે આજના રોજગાર આંકડામાં હેરફેર કરવામાં આવી છે.