પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા, દુષ્કર્મ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યો હતો

August 02, 2025

દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા JDS (સેક્યુલર)ના હાંકી કઢાયેલા અને ભૂતપૂર્વ લોકસભા સાંસદ પ્રજ્વલ રેવન્નાને શનિવાર (2 ઓગસ્ટ, 2025)ના રોજ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટનો ચુકાદો સાંભળીને રેવન્ના કોર્ટમાં ભાવુક થઈ ગયો અને રડી પડ્યો હતો. આ ચુકાદો બેંગલુરુ ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંબંધિત કેસોની સુનાવણી માટે રચાયેલી સ્પેશિયલ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. સજાની સાથે કોર્ટે 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે, પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના સાયબર ક્રાઈમ સ્ટેશન ખાતે 14 મહિના પહેલાં મૈસુરના કેઆર નગરમાંથી પાર્ટીની સ્થાનિક કાર્યકરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પ્રજ્વલ રેવન્નાએ તેના પર દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો હોવાનો આરોપ મૂક્યો હતો. સીઆઈડીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે આ કેસમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 2000 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 123 પુરાવા મેળવવામાં આવ્યા હતાં. જે રેવન્ના વિરૂદ્ધ આરોપો સાબિત કરતા હતાં. 31 ડિસેમ્બર, 2024થી ટ્રાયલ શરૂ થઈ હતી. કોર્ટમાં 23 સાક્ષીઓ રજૂ થયા હતાં. જેના આધારે શુક્રવારે (1 ઓગસ્ટ) ચુકાદો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે (2 ઓગસ્ટ) સજા સંભળાવવામાં આવી છે.

કર્ણાટકના જનતા દળ- સેક્યુલર (JDS)ના પૂર્વ સાંસદ અને  પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાના પુત્ર પ્રજ્વલ રેવન્ના પર દુષ્કર્મના આરોપ મૂકાયા હતા. જેમાં કહેવાયું હતું કે તેણે હાસનમાં આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ઘણી મહિલાઓ પર દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ તેના વીડિયો પણ ઉતાર્યા હતા. મોબાઈલમાં શૂટ વીડિયો આ કેસનો મહત્ત્વનો પુરાવો સાબિત થયા હતા. વીડિયો ક્લિપ્સને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ફેક્ટ ચેક માટે મોકલવામાં આવી હતી. જે સાચી સાબિત થઈ હતી.