ખાલિસ્તાનીઓએ હવે કેનેડામાં મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે દુર્વ્યવહાર કર્યો

March 24, 2023

દિલ્હી- કેનેડામાં મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે ખાલિસ્તાન સમર્થકોએ ગેરવર્તન કરવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ સિવાય અહીં ઘણા ભારત વિરોધી અને ખાલિસ્તાનના સમર્થનમાં અનેક ભિત્તચિત્ર બનાવવામાં આવ્યા છે. આ ઘટના ગુરુવારના રોજ વહેલી સવારે કેનેડાના ઓન્ટારિયોના હેમિલ્ટન શહેરમાં સિટી હોલ પાસે બની હતી. તમને જણાવી દઈએ કે વર્ષ 2012થી અહીં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મહાત્માં ગાંધીની પ્રતિમાં 6 ફૂટ ઉંચી છે. તેને કાંસામાંથી બનાવવામાં આવી છે. ભારત સરકારે કેનાડાને આ પ્રતિમા  ભેટ આપી હતી. મૂર્તિની ચારે બાજુ પેઈન્ટ છાંટવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીની આ પ્રતિમામાં લાકડી પર ખાલિસ્તાનનો ધ્વજ લગાવવામાં આવ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક અધિકારી હરકતમાં આવી ગયા હતા. મહાત્મા ગાંધીની પ્રતિમાને સાફ કરી દેવામાં આવી હતી. સમગ્ર ગ્રાઉન્ડમાં ફેલાયેલા કલરને પણ સાફ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર હેમિલ્ટન પોલીસે જણાવ્યું હતું કે તેમને ગુરુવારના રોજ બપોરે આ સંબંધમાં એક ફરિયાદ મળી હતી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.


આ અગાઉ ફેબ્રુઆરીમાં ગ્રેટર ટોરેન્ટે એરિયામાં એક હિન્દુ મંદિર પર પણ આ પ્રકારનું પેઈન્ટ કરવામાં આવ્યું હતું. મંદિરની દિવાલ પર ભારત વિરોધી અને ખાલિસ્તાનના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા. 8 મહિનાની અંદર આ ચોથી ઘટના છે. ત્યારે 30 જાન્યુઆરીના રોજ બ્રેમ્પટનમાં ગૌરી શંકર મંદિર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

ગત વર્ષે જુલાઈમાં રિચમંડ હિલના વિષ્ણુ મંદિરમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. કેનેડા આવી અનેક ભારત વિરોધી ઘટનાઓનું સાક્ષી બની ચૂક્યું છે. આવી દરેક ઘટનાઓમાં ખાલિસ્તાન સમર્થકોનો હાથ છે, જેઓ ભારતથી અલગ ખાલિસ્તાનની માંગ કરી રહ્યા છે.