ઈન્ડોનેશિયાના સુમાત્રામાં પ્રચંડ પૂર સાથે ભૂસ્ખલન, એક વ્યક્તિનું મોત, 11 લોકો ગૂમ

December 04, 2023

ઈન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રા પ્રાંતમાં પૂર અને ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 11 લોકો ગુમ થઈ ગયા છે. પ્રાંતના શોધ અને બચાવ કાર્યાલયના વડા બુડિયોનોએ જણાવ્યું હતું કે, હુમ્બાંગ હસુન્દુતાન રીજન્સીના સિમંગુલામ્પે ગામમાં પૂરના કારણે ઊંચા મેદાનોમાંથી કાદવ અને મોટા પથ્થરો આવ્યા હતા.

કુદરતી આફતને લઇ બુડ્યોનોએ કહ્યું, 'આજે અમારા અધિકારીઓએ એક મૃતદેહ મેળવ્યો. અમે હજુ પણ 11 લાપતા લોકોને શોધી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુમ થયેલા લોકો માટીમાં દટાયા હોવાની આશંકા છે, તેથી માટી કાઢવા માટે ઉચ્ચ સ્તરીય મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
 
પૂરના કારણે 50 લોકોએ તાત્કાલિક પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું હતું. પૂરના કારણે લગભગ 12 મકાનો નાશ પામ્યા હતા, જેમાં એક ધાર્મિક ઈમારત અને એક શાળાનો સમાવેશ થાય છે.