મહાકુંભમાં યોજાશે એકતાનો મહાયજ્ઞ- વડાપ્રધાન મોદી

December 13, 2024

પ્રયાગરાજ : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી-2025થી ભવ્યાતિભવ્ય મહાકુંભ શરૂ થવાનો છે અને આ માટે લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. બીજીતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં તેમણે અનેક વિકાસ પ્રોજેક્ટોનો શિલાન્સાય અને શુભારંભ કરાવ્યો છે. વડાપ્રધાને દેશની જનતાને સંબોધતા કહ્યું છે કે, મહાકુંભ આપણી આસ્થા, આધ્યાત્મ અને સંસ્કૃતિનો દિવ્ય મહોત્વ છે. મને મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરવા તેમજ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા કરવાની અહી તક મળી, તેનાથી હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી માની રહ્યો છું.


તેમણે મહાકુંભને સફળ બનાવનારાઓનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, હું પ્રયાગરાજ સંગમની આ પાવન ભૂમિને શ્રદ્ધાપૂર્વક પ્રમાણ કરું છું. હું મહાકુંભમાં પધારનારા તમામ સાધુ-સંતોને નમન કરું છું. હું મહાકુંભને સફળ બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહેલા કર્મચારીઓ, શ્રમિકો અને સફાઈ કર્મચારીઓને વિશેષરૂપે અભિનંદન પાઠવું છું. વિશ્વનું સૌથી મોટું આયોજન, દરરોજ લાખો શ્રદ્ધાળુઓનું સ્વાગત અને સેવાની તૈયારી, સતત 45 દિવસ સુધી મહાયજ્ઞ યોજી પ્રયાગરાજની ધરતી એક નવો ઈતિહાસ રચવા જઈ રહી છે.


તેમણે કહ્યું કે, આ એકતાનો આટલો મોટો મહાયજ્ઞ હશે, જેની ચર્ચા વિશ્વભરમાં થશે. આ પ્રસંગની ભવ્ય અને દિવ્ય સફળતા માટે હું આ તમામને શુભેચ્છા પાઠવું છું. આપણો ભારત પવિત્ર સ્થળો અને તીર્થસ્થાનોનો દેશ છે. આપણો દેશ ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી અને નર્મદા જેવી અસંખ્ય પવિત્ર નદીઓનો દેશ છે. આ નદીઓમાં પ્રવાહની પવિત્રતા છે, અહીં અસંખ્ય તીર્થસ્થાનોનું મહત્વ અને મહાનતા છે. તેમનો સંગમ, તેમનો સંયોગ, તેમનો પ્રભાવ, તેમનો મહિમા છે, જેનું કારણ પ્રયાગરાજની પવિત્ર ભૂમી છે. પ્રયાગના દરેક પગથિયે પવિત્ર સ્થાનો છે, જ્યાં દરેક પગલે પુણ્ય ક્ષેત્રો છે.