ભારતની કાર્યવાહીના ડરથી ગભરાયેલું પાકિસ્તાન હવે મદદ માટે સાઉદી-બ્રિટનની શરણે

April 28, 2025

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલા પગલાથી ગભરાઈ ગયું છે. છેલ્લા બે દિવસથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી રહેલા પાકિસ્તાને નવા દાવપેચ શરૂ કર્યા છે. એવામાં પહેલા પાકિસ્તાને ચીન પાસે મદદ માંગી હતી. તો હવે ચીન બાદ સાઉદી અરબ અને બ્રિટન પાસે મદદ માંગી છે. પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે ચીનના વિદેશ મંત્રીને ફોન કરીને મદદ માંગી. ડારે પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે માત્ર ચીન જ નહીં પરંતુ બ્રિટિશ વિદેશમંત્રી ડેવિડ લેમી અને અન્ય પ્રાદેશિક સમકક્ષોને પણ બોલાવ્યા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે ચીનના વિદેશ મંત્રી વાંગ યીને ફોન કરીને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કર્યા. ડારના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, બંને નેતાઓએ એકપક્ષીય કાર્યવાહી અને વર્ચસ્વવાદી નીતિઓનો વિરોધ કર્યો.  22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા જ્યારે 17 ઘાયલ થયા હતા. આ હુમલો પહલગામની બૈસરન ઘાટીમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા. પહલગામ હુમલા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી.