ઝેલેન્સ્કીના ઈનકાર અને ટ્રમ્પની ધમકી વચ્ચે શાંતિ સમજૂતી અંગે પુતિનની પ્રથમ પ્રતિક્રિયા

November 22, 2025

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 21 નવેમ્બરના રોજ જાહેરાત કરી કે, યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટે અમેરિકા તરફથી મોસ્કોને પ્રસ્તાવો મળ્યા છે. આ યોજના સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાનનો આધાર બની શકે છે. પુતિને ટીવી પર પ્રસારિત પોતાના સંબોધનમાં વરિષ્ઠ અધિકારીઓને જણાવ્યું કે, 'અંતિમ શાંતિપૂર્ણ સમજૂતી માટે આ પ્રસ્તાવનો ઉપયોગ આધાર તરીકે થઈ શકે છે, એવું મારું માનવું છે.' જોકે, પુતિને સ્પષ્ટ કર્યું કે, રશિયન અધિકારીઓએ હજી સુધી આ યોજના પર વિગતવાર ચર્ચા પૂર્ણ કરી નથી. તેમના મતે, યુક્રેન આ શાંતિ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યું છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે કીવ અથવા યુરોપીય દેશોમાંથી કોઈ પણ એ સત્યને સ્વીકારવા તૈયાર નથી કે રશિયન સેના યુક્રેનમાં સતત પ્રગતિ કરી રહી છે. પુતિનના કહેવા મુજબ, જો શાંતિ સ્થાપિત નહીં થાય, તો આ સૈન્ય આગળ વધતું રહેશે. શુક્રવારે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, 'યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રશિયાના આક્રમણને અટકાવવા માટે અમેરિકા-સમર્થિત શાંતિ યોજના (પીસ પ્લાન)ને અપનાવવી પડશે અને આખરે તેને મંજૂરી પણ આપવી પડશે.' ન્યૂયોર્ક સિટીના મેયર-ઇલેક્ટ જોહરાન મમદાની સાથે ઓવલ ઓફિસમાં મુલાકાત કર્યા પછી ટ્રમ્પે કહ્યું કે, 'અમારા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સારા સંબંધો હોવાથી, અમે આ યુદ્ધને વહેલું સમાપ્ત કરાવવાની આશા રાખતા હતા. જોકે, આના માટે બંને પક્ષોની સહમતિ આવશ્યક છે.' ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે, 'આવનારી ઠંડી, વધતો જતો મૃત્યુઆંક અને યુક્રેનના ઊર્જા પ્લાન્ટ્સ પર સતત થઈ રહેલા હુમલાઓ આ યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાની જરૂરિયાત દર્શાવે છે. જે કંઈ થઈ રહ્યું છે તે ખૂબ જ ભયાનક છે. અમારી પાસે એક યોજના છે. અમારી પાસે શાંતિ લાવવાનો એક રસ્તો છે અથવા અમે એવું માનીએ છીએ કે શાંતિ સુધી પહોંચવાનો એક માર્ગ અમારી પાસે છે.