રણવીર અલ્હાબાદિયા-સમય રૈનાને સમન પાઠવી શકે છે સંસદીય સમિતિ, પોલીસનું પણ તેડું

February 11, 2025

કોમેડિયન સમય રૈનાના શો 'ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટ'માં વિવાદિત નિવેદનને લઈને યુટ્યુબ અને પૉડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાની મુશ્કેલીઓ વધી શકે છે. એકબાજુ જ્યાં વિવાદિત નિવેદનને લઈને રણવીર સહિત શોના પાંચ જજ પર કેસ દાખલ થઈ ચુક્યો છે, તો બીજી બાજુ હવે સંસદમાં પણ આ મુદ્દાએ તુલ પકડ્યું છે. બીજી બાજુ પાંચ પોલીસ અધિકારીઓની ટીમ મંગળવારે (11 ફેબ્રુઆરી) બપોરે મુંબઈના વર્સોવામાં યુટ્યુબર અને પૉડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના ઘરે પહોંચી છે. જણાવી દઈએ કે, રણવીર અલ્હાબાદિયા પર સમય રૈનાના કાર્યક્રમમાં માતા-પિતાને લઈને વિવાદાસ્પદ નિવેદનનો આરોપ લાગ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આઈટી બાબતોની સંસદીય સમિતિ આ મામલે રણવીર અલ્હાબાદિયાને નોટિસ મોકલવા પર વિચાર કરી રહી છે. આ સમિતિ રણવીરને સમન્સ મોકલી શકે છે. એક દિવસ પહેલાં જ સમિતિના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ આ વિશે માંગ કરી તો તેમને જણાવવામાં આવ્યું કે, ઘણાં અન્ય સાંસદોએ પણ આવી માંગ કરી છે. આઈટી અને સંદેશાવ્યવહારની સંસદીય સમિતિ સૂચના અને પ્રસારણ સચિવ અને આઈટી સચિવને બોલાવશે. રણવીર અલ્હાબાદિયાના વીડિયોને લઈને સચિવોને બોલાવવામાં આવશે અને સામગ્રી પ્રસારણ કરનાર પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરવામાં આવશે. NHRCએ યુટ્યુબને વિવાદિત વીડિયો હટાવવનો નિર્દેશ કર્યો હતો. સાથે જ 3 દિવસની અંદર જવાબ આપવા પણ જણાવ્યું છે, ત્યારબાદ વીડિયોને દૂર કરવામાં આવ્યો. કેસ દાખલ થયા બાદ ઈન્ડિયા ગૉટ લેટેન્ટ શોના વિવાદિત નિવેદન મામલે મુંબઈ પોલીસે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાનો સંપર્ક કર્યો હતો. પોલીસે બંનેને તપાસ અધિકારીઓ સામે હાજર થઈને સહયોગ કરવા અને આ મામલે પોતાનો પક્ષ મૂકવા કહ્યું છે. રણવીર અલ્હાબાદિયાના નિવેદન પર બીજેડી સાંસદ સસ્મિત પાત્રાનું પણ નિવેદન સામે આવ્યું છે. સસ્મિતે કહ્યું કે, 'આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સંદેશાવ્યવહાર અને આઈટી અંગેની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય તરીકે, હું આ મુદ્દો સમિતિ સમક્ષ ઉઠાવવાનો છું. ગ્રાન્ટની માંગણી માટે અમે ટૂંક સમયમાં એક બેઠક કરવાના છીએ. હું ઈચ્છું છું કે આવી અપમાનજનક ટિપ્પણીઓ માટે કડક ગાઈડલાઈન અને કડક પગલાં લેવામાં આવે. ખાસ કરીને જ્યારે યુવાન સંવેદનશીલ મગજ આવા યુટ્યુબર્સને ફોલો કરે છે'.