સચિન-યુવરાજની ક્રિકેટના મેદાન પર થશે વાપસી, આમને-સામને ટક્કર થશે

January 13, 2024

વન વર્લ્ડ વન ફેમિલી કપમાં સાત દેશોના ઘણાં રેકોર્ડ ધરાવનાર ખેલાડીઓ ભાગ લેશે

વર્ષ 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ દર્શક તરીકે હાજર રહેશે

મુંબઈ: ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિકેટ જગતના બે ભારતીય પૂર્વ દિગ્ગજો ખેલાડીઓની ક્રિકેટના મેદાનમાં વાપસી થવાની છે. ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ ફરી ક્રિકેટના મેદાનમાં દેખાશે. જો કે આ વખતે આ બંને ખેલાડીઓ એક ટીમમાં નહીં હોય પરંતુ આમને સામને ટકરાશે. આ બંને ખેલાડીઓ 18 જાન્યુઆરીના રોજ કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લાના મુદ્દેનાહલ્લીના સત્ય સાંઈ ગ્રામમાં આયોજિત 'વન વર્લ્ડ વન ફેમિલી કપ'માં ભાગ લેશે. એક ટીમનું નેતૃત્વ સચિન તેંડુલકર કરશે જ્યારે બીજી ટીમનું નેતૃત્વ યુવરાજ સિંહ કરશે. 


વન વર્લ્ડ વન ફેમિલી કપમાં સાત દેશોના અનેક રેકોર્ડ ધરાવનાર ખેલાડીઓ જેમ કે હરભજન સિંહ, મુથૈયા મુરલીધરન, ઇરફાન પઠાન, ચમિંડા વાસ, આરપી સિંહ, મોંટી પનેસર, ડેની મોરિસન, વેંકટેશ પ્રસાદ ભાગ લેશે. આ ખેલાડીઓએ તેમની સિદ્ધિઓ દ્વારા દેશનું નામ રોશન કર્યું છે. આ મેચ સાઈ કૃષ્ણન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.


પાંચ પાંખડીના આકારના સાઈ કૃષ્ણન સ્ટેડિયમમાં કુલ 3,500 દર્શકોની ક્ષમતા છે. ગેલેરીઓની મધ્યમાં સ્થિત સ્ટેજ ખેલાડીઓના પ્રથમ જૂથનું સ્વાગત કરશે, જેઓ ક્રિકેટના માધ્યમ દ્વારા 'વસુધૈવ કુટુંબકમ'ને તેમનો સમર્થન આપવા માટે એકસાથે આવશે. મેચની ખાસ વાત એ હશે કે વર્ષ 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કેટલાક પસંદગીના ખેલાડીઓ દર્શક તરીકે હાજર રહેશે.