CJI બનતાં જ સંજીવ ખન્નાએ તત્કાળ સુનાવણીની અગાઉની વ્યવસ્થા બદલી

November 13, 2024

દેશના નવનિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) સંજીવ ખન્ના પોતાના કાર્યકાળના બીજા જ દિવસે એટલે કે મંગળવારે ફુલ એક્શનમાં જોવા મળ્યા હતાં. તેમણે સુપ્રીમ કોર્ટમાં કેસીસની તત્કાળ સુનાવણીના મોરચે નવી વ્યવસ્થા દાખલ કરવાનો આદેશ કરી દીધો છે.

તેમણે જણાવ્યું હતું કે કેસીસને તત્કાળ સૂચિબદ્ધ કરવા અને તેના પર સુનાવણી માટે મૌખિક ઉલ્લેખ કરવાની મંજૂરી હવે આપવામાં નહીં આવે. તેમણે વકીલોને તેના માટે ઇ-મેલ અથવા લેખિત પત્ર મોકલવાનો આગ્રહ કર્યો છે. સામાન્ય રીતે વકીલો દિવસની કામગીરીની શરૂઆતમાં સીજેઆઈની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ પોતાના કેસ પર તત્કાળ સુનાવણી કરવા માટે મૌખિક વિનંતી કરે છે.

સીજેઆઈ ખન્નાએ આ જૂની પરંપરાને બદલતાં કહ્યું હતું કે હવે કોઈ મૌખિક ઉલ્લેખ નહીં થાય. ફક્ત ઇ-મેલ અથવા લેખિત પત્ર મારફત જ તત્કાળ સુનાવણી માટેની વિનંતીનો સ્વીકાર કરવામાં આવશે, જો કે તેના માટે વકીલે પત્રમાં કેસની તત્કાળ સુનાવણી માટેની આવશ્યકતાના કારણો જણાવવા પડશે.