સફળ સર્જરી બાદ શમીની પોસ્ટ, ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરવાનો ચાહકોને વાયદો

February 27, 2024

મોહમ્મદ શમી ઈજાના કારણે ભારતીય ટીમની બહાર છે અને વર્લ્ડકપ બાદથી જ ચાહકો મેદાનમાં તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ શમી ઈજાના કારણે હજુ સુધી પરત ફરી શક્યો નથી અને ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાંથી પણ બહાર છે. આ દરમિયાન એવા સમાચાર આવ્યા હતા કે શમી બાકીની ત્રણ ટેસ્ટ મેચમાં રમી શકે છે, પરંતુ ત્યાં સુધી સમાચાર આવ્યા કે શમીને ઓપરેશન કરાવવું પડશે, શમી પગની ઘૂંટીની ઈજાને કારણે પરેશાન હતો, જેનું હવે સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. આ માહિતી શમીએ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરીને આપી છે. સફળ સર્જરી વિશે માહિતી આપતા શમીએ કહ્યું કે તે સ્વસ્થ થઈ રહ્યો છે. શમીના કહેવા પ્રમાણે, તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં થોડો સમય લાગશે, પરંતુ તેને ક્રિકેટના મેદાનમાં વાપસી કરવાનો વિશ્વાસ છે. શમીએ કહ્યું, “હમણાં જ અકિલીઝ ટેન્ડનનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે! તેને સ્વસ્થ થવામાં થોડો સમય લાગશે, પરંતુ હું મારા પગ પર પાછા આવવા માટે ખૂબ જ ઉત્સુક છું.” IPL 2024 શરૂ થાય તે પહેલા 2022ની ચેમ્પિયન ટીમ અને 2023ની રનર અપ ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો લાગ્યો છે. BCCIના એક સૂત્રના જણાવ્યા મુજબ ડાબા પગની ઘૂંટીમાં ઈજાના કારણે શમી સમગ્ર IPL સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ઈજાના કારણે શમીને સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે પણ પસંદ કરવામાં આવ્યો ન હતો. આ સિવાય તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાંથી પણ બહાર થઈ ગયો હતો. શમીની ગેરહાજરી ગુજરાત માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હાર્દિક પંડ્યાના ગુજરાત છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જવાના કારણે ટીમ પહેલેથી જ નુકસાનનો સામનો કરી રહી છે. ગુજરાતના કેપ્ટન રહેલા હાર્દિકને ગયા વર્ષે હરાજી પહેલા મુંબઈ દ્વારા ટ્રેડ કરવામાં આવ્યો હતો.