શ્રદ્ધા કપૂરની સ્ત્રી ટૂ પણ 15 ઓગસ્ટની થિયેટરની ભીડમાં સામેલ

June 15, 2024

મુંબઇ : આગામી ૧૫મી ઓગસ્ટે  અક્ષય કુમારની 'ખેલ ખેલ મેં' તથા જ્હોન અબ્રાહમની 'વેદા'નો મુકાલબો હવે શ્રદ્ધા કપૂરની હિટ ફ્રેન્ચાઈઝી 'સ્ત્રી'ના બીજા ભાગ સાથે થશે. શ્રદ્ધાએ પણ ૧૫મી ઓગસ્ટની હોડમાં વટભેર ઝંપલાવી ૧૫મી તારીખે 'સ્ત્રી ટૂ'ની રીલિઝ ડેટ જાહેર કરી હતી.  ૧૫મી ઓગસ્ટે મૂળ તો અલ્લુ અર્જુનની 'પુષ્પા ધી રુલ' રીલિઝ થવાની હતી. પરંતુ, તેની રીલિઝ અનિશ્ચિત બનતાં અન્ય નિર્માતાઓ આ ફેસ્ટીવલ વીક એન્ડનો લાભ લેવા માટે  મેદાનમાં આવ્યા છે. તાજેતરમાં બીજી કેટલી ફિલ્મો નિષ્ફળ જઈ રહી છે ત્યારે હોરર કોમેડી 'મુંજિયા' મેગા હિટ પુરવાર થઈ છે. 'મુંજિયા'ના નિર્માતાઓએ જ 'સ્ત્રી ટૂ' બનાવી છે અને તેમને આશા છે કે હોરર કોમેડી ફિલ્મ જોનરનો એક ખાસ ચાહક વર્ગ હોવાથી અક્ષય કુમાર તથા જ્હોન અબ્રાહમ જેવા કલાકારોની ફિલ્મ સામે ટક્કરમાં પણ તેમને  વાંધો નહિ આવે. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારની મોટાભાગની ફિલ્મો હાલમાં ફલોપ થઈ ગઈ છે. બીજી તરફ જ્હોન અબ્રાહમનો પણ એક સીમિત જ ચાહક વર્ગ છે. આથી, આ સ્પર્ધામાં પણ શ્રદ્ધા કપૂરની ફિલ્મ માટે ઉજળી તકો હોવાની બોક્સ ઓફિસ સમીક્ષકો માને છે.