શુભમન ગિલે ડબલ સેન્ચુરી ફટકારી:ગિલે 149 બોલમાં 208 રન ફટકાર્યા; ન્યૂઝીલેન્ડને 350 રનનો ટાર્ગેટ

January 18, 2023

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 350 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 349 રન બનાવ્યા હતા. યુવા ઓપનર શુભમન ગિલે શાનદાર, ધમાકેદાર ડબલ સેન્ચુરી ફટકારી હતી. તેણે 149 બોલમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 208 રન બનાવ્યા હતા. તે વન-ડેમાં બેવડી સદી ફટકારનાર પાંચમો ભારતીય બેટર બની ગયો છે. રોહિત શર્માએ 34 રન અને સૂર્યકુમાર યાદવે 31 રન કર્યા હતા. કિવી ટીમ તરફથી સૌથી વધુ હેનરી શિપલે અને ડેરિલ મિચેલે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે મિચેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન અને બ્લેર ટિકનરને 1-1 વિકેટ મળી હતી.

શુભમન ગિલે તેના આઇડલ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. શુભમને હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે 208 રન ફટકાર્યા છે. આ ગ્રાઉન્ડ પર વન-ડેમાં હાઇએસ્ટ ઇન્ડિવીડ્યુઅલ સ્કોર હવે ગિલના નામે નોંધાયો છે. અગાઉ આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતે. તેમણે 2009-10ની ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં 351 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે 175 રન ફટકાર્યા હતા. અને તેમણે પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ પણ જીત્યો હતો. જોકે આ મેચ ટીમ ઈન્ડિયા માત્ર 3 રને હારી ગઈ હતી. પરંતુ આ ઇનિંગ હજુ પણ ફેન્સને યાદ છે.

શુભમન ગિલે આજે 208 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. તેણે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા. આ સાથે જ તે વન-ડેમાં બેવડી સદી ફટકારનાર પાંચમો ભારતીય બની ગયો છે. અગાઉ વન-ડેમાં સચિન તેંડુલકર (200*), વિરેન્દ્ર સહેવાગ (219), રોહિત શર્મા (209,208*,264), ઈશાન કિશન (210)એ વન-ડેમાં બેવડી સદી ફટકારી છે.