સોનુ નિગમે પદ્મ પુરસ્કાર પર ઉઠાવ્યા સવાલ, આ સિંગર્સને સન્માન ન મળતાં નારાજ

January 28, 2025

બોલિવૂડ સિંગર સોનુ નિગમે ફરી એકવાર રાષ્ટ્રીય સન્માન આપતાં પદ્મ ઍવૉર્ડ અંગે બળાપો કાઢ્યો છે. આ ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રોજ આપવામાં આવેલા પદ્મ ઍવૉર્ડ 2025 મુદ્દે નિરાશા વ્યક્ત કરતાં સોનુ નિગમે એક વીડિયો શેર કર્યો છે. જેમાં સવાલો ઉઠાવ્યા છે કે, 'સરકારે કેમ હજુ સુધી ઉમદા સિંગર્સને પદ્મશ્રીનું સન્માન આપ્યું નથી. એવા ઘણા ગાયકો છે કે, જે દરેક માટે પ્રેરણા છે, અને તેમની પ્રતિભાને ઓળખવી જોઈએ.' સોનુ નિગમે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં કહ્યું છે કે, 'બે એવા ગાયકો છે જેમણે દુનિયાભરના ગાયકોને પ્રેરણા આપી છે. જેમાં ફક્ત એકને જ પદ્મશ્રી સુધી સીમિત રાખ્યા છે, તે છે મોહમ્મદ રફી સાહેબ. અને એક એવા છે જેમને હજુ સુધી પદ્મશ્રી પણ નસીબ થયો નથી, તે છે કિશોર કુમારજી. તેમને મરણોપરાંત ઍવૉર્ડ પણ મળ્યો નથી.  સોનુ નિગમે આગળ કહ્યું, 'અન્ય ઘણા ગાયકો છે, અલકા યાજ્ઞિક કે જેમની આટલી લાંબી અને અદ્ભુત કારકિર્દી રહી છે, તેમને આજ સુધી કંઈ મળ્યું નથી. શ્રેયા ઘોષાલ લાંબા સમયથી પોતાની કળા સાબિત કરી રહી છે. તે એક શ્રેષ્ઠ ગાયક છે. સુનિધિ ચૌહાણે પણ પોતાના અનોખા અવાજથી આખી પેઢીને પ્રેરિત કરી છે, પણ હજુ સુધી તેને પણ કંઈ મળ્યું નથી. ઉલ્લેખનીય છે, આ વર્ષે અરિજીત સિંહને પદ્મશ્રી ઍવૉર્ડ અને સ્વર કોકિલા ઑફ બિહાર તરીકે જાણીતી શારદા સિંહાને પદ્મ વિભુષણ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.