પાંચમી ટેસ્ટમાં કે.એલ રાહુલના રમવા પર સસ્પેન્સ, સારવાર માટે વિદેશ જવું પડ્યું

February 28, 2024

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયેલો કે.એલ રાહુલ ધર્મશાલામાં રમાનાર છેલ્લી ટેસ્ટમાંથી પણ બહાર થઈ શકે છે. અહેવાલો અનુસાર કે.એલ રાહુલ તેની ઈજાની સારવાર માટે ઈંગ્લેન્ડ ગયો છે, જેના કારણે તેના માટે સીરિઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં રમવું મુશ્કેલ છે. જણાવી દઈએ રાહુલ હૈદરાબાદ ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તે વિશાખાપટ્ટનમ, રાજકોટ અને રાંચી ટેસ્ટમાં રમ્યો ન હતો. હવે ધર્મશાળામાં પણ તેના રમવા પર સસ્પેન્સ છે.મળેલા અહેવાલો મુજબ ટીમ મેનેજમેન્ટ 7 માર્ચથી ધર્મશાલામાં શરૂ થનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ માટે કેટલાક ખેલાડીઓને આરામ આપવા પર વિચાર કરી રહી છે. જ્યારે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ પહેલા કે.એલ રાહુલ 90 ટકા ફિટ છે તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ તે હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. NCA મેનેજમેન્ટે રાહુલની ઈજાનું પુન: મૂલ્યાંકન કર્યું છે, ત્યારબાદ નિષ્ણાતોના અભિપ્રાય લીધા બાદ તેને સારવાર માટે લંડન મોકલવામાં આવ્યો છે. રાહુલ લંડનમાં નિષ્ણાતોની દેખરેખ હેઠળ છે.
કે.એલ રાહુલના જમણા ક્વાડ્રિસેપ્સમાં દુખાવો છે, જેના માટે તેણે ગયા વર્ષે સર્જરી કરાવી હતી. ટીમમાં તેના મહત્વ અને ટીમ માટે તેની બેવડી ભૂમિકાને ધ્યાનમાં રાખીને BCCI, પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ તેની સાથે કોઈ જોખમ લેવા તૈયાર નથી. આ જ કારણ છે કે ધર્મશાલામાં રમાનારી પાંચમી ટેસ્ટ મેચ માટે કે.એલ રાહુલની ઉપલબ્ધતા હજુ સ્પષ્ટ નથી. જો કે સારી વાત એ છે કે ભારતે સીરિઝ જીતી લીધી છે, પરંતુ BCCI વિચારી રહ્યું હતું કે જો કે.એલ રાહુલ પાંચમી ટેસ્ટ મેચ માટે ફિટ હોય તો અન્ય એક બેટરને આરામ આપવામાં આવી શકે છે.