રાયબરેલીમાં કદાવર નેતા સ્વામી પ્રસાદ મૌર્યને લાફો ઝીંકાયો, સમર્થકોએ આરોપીની કરી ધોલાઈ

August 06, 2025

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરાયાની ઘટના બની છે. એક યુવકે માળા પહેરાવવાના બહાને મૌર્યને પાછળથી લાફો ઝીંકી દીધો હતો. આ દરમિયાન સમર્થકોની ભીડે આરોપી યુવકને પકડી પાડ્યો અને તેની જોરદાર રીતે ધોલાઈ કરી હતી. ઘટનાસ્થળે હાજર પોલીસે આરોપીને હેમખેમ લોકોની ભીડથી બચાવ્યો હતો. હાલમાં આ ઘટનાને લઈને માહોલ ગરમાયેલો છે. આરેસએસએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી પ્રસાદ મૌર્ય બુધવારે રાયબરેલી પહોંચ્યા હતા. અહીં કેટલાક સમર્થકો ફૂલ-માળા લઈને તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. ત્યારે એક યુવકે ભીડમાં ઘૂસીને તેમને લાફો ઝીંકી દીધો હતો. આ ઘટનાથી કદાવર નેતાના સમર્થકો ભડક્યા હતા અને તેમણે આરોપી યુવક સાથે મારપીટ શરુ કરી દીધી હતી.  તેના પર લાત-ફેંટો અને દંડાવાળી કરી હતી. આરોપી યુવક ઘાયલ થઈ ગયો હતો ત્યારે પોલીસે વચ્ચે પડીને તેને બચાવવો પડ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રાયબેરલીમાં આ હુમલો કરાયો હતો. ઘટના બાદથી સ્થિતિ તંગદિલીપૂર્ણ બની હતી. આ મામલે મળતી માહિતી અનુસાર હુમલાખોર કરણી સેનાનો સભ્ય હોવાનો જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. મૌર્યએ આ મામલે સરકારને ઘેરતાં કહ્યું કે આ સરકારી ગુંડા છે. કરણી સેનાના લોકો છે. હું લખનઉથી ફતેહપુર જઈ રહ્યો હતો ત્યારે રાયબરેલીમાં રોકાયો હતો ત્યારે આ ઘટના બની.