તમન્ના ભાટિયા અને વિજય વર્માનું બ્રેક અપ થઈ ગયું

March 05, 2025

મુંબઈ : તમન્ના ભાટિયા અને વિજય વર્માનું  બ્રેક અપ થઈ ગયું છે. થોડાં સપ્તાહો પૂર્વે જ તેમણે છૂટાં પડવાનો નિર્ણય લઈ લીધો હોવાની વાત બહાર આવી છે.  તમન્ના અને વિજય વચ્ચે આશરે બે વર્ષથી અફેર ચાલતું હતું. બંનેએ એકબીજા માટેનાં પ્રેમનો જાહેરમાં એકરાર પણ કર્યો હતો. નવા કલાકારોમાં આ જોડી આદર્શ મનાતી હતી.  છેલ્લા કેટલાક સમયથી તો એવી પણ વાતો ચર્ચાતી હતી કે તમન્ના અને વિજય બંને હવે પોતપોતાની કેરિયરમાં સ્થિર થઈ ચૂક્યાં હોવાથી ઝડપભેર લગ્ન કરી લેવાનાં છે. તેમની લગ્નની તારીખો પણ ચર્ચાવા લાગી હતી. તે વચ્ચે જ અચાનક તેમનાં બ્રેક અપની વાત સામે આવતાં બંનેના ચાહકોને આઘાત લાગ્યો છે. ચર્ચા અનુસાર બંને કોઈ કડવાશ વિના જ પરસ્પર સંમતિથી છૂટાં પડી ગયાં છે. બ્રેક અપ બાદ પણ તેઓ વ્યક્તિગત રીતે સારાં મિત્રો બની રહેશે. જોકે આજે મોડે સુધી તમન્ના કે વિજયે આ  બ્રેક અપની ચર્ચાઓ અંગે કોઈ ખુલાસો કર્યો ન હતો.