જમ્મુ કાશ્મીરમાં અથડામણ બાદ આતંકીઓ ભાગી છૂટયા, સર્ચ ઓપરેશન વધુ સઘન કરાયું

March 24, 2025

પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG), આર્મી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ટીમો દ્વારા હીરાનગર ખાતે આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના જંગલ વિસ્તારમાં એક વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ ગીચ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓના ભારે સશસ્ત્ર જૂથને અટકાવ્યા પછી બંને વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો.

જોકે તેઓ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. ત્યારે આ અથડામણ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ જમ્મુમાં પાકિસ્તાનની સરહદે હાઇ એલર્ટ લગાવ્યું હતું, જેમાં ફોરવર્ડ પોસ્ટ્સને સતર્ક કરાઇ હતી કે તેઓ મહત્તમ તકેદારી રાખે, કારણ કે ગુપ્તચર માહિતી મુજબ જૂથોમાં વધુ આતંકવાદીઓ હોઈ શકે છે અને ઘૂસણખોરીનો પ્રયાસ કરી શકે છે.

જમ્મુ અને કાશ્મીરના ભાગોમાં વારંવાર આતંકવાદીઓની ઘૂસણખોરીને લઈને તણાવ જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે જ કુપવાડામાં સુરક્ષા દળો સાથેની અથડામણ દરમિયાન એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. તે પહેલા ફેબ્રુઆરીમાં જમ્મુ અને કાશ્મીરના રાજૌરીના સુંદરબની વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા આર્મીના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો અને કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આર્મી અધિકારીઓના ડેટા અનુસાર, 2024માં જ જમ્મુ અને કાશ્મીરમાં 75 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાંથી 60 ટકા પાકિસ્તાનના હતા. તેમાં નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર ઘૂસણખોરીનો પ્રયાસ કરતી વખતે માર્યા ગયેલા 17 આતંકવાદીઓ અને આંતરિક વિસ્તારોમાં એન્કાઉન્ટર દરમિયાન માર્યા ગયેલા 26 આતંકવાદીઓનો સમાવેશ થાય છે.