સેબી ચીફે સાત વર્ષ સુધી ICICI પાસેથી રૂ. 16.80 કરોડની કમાણી કરી હોવાનો વિપક્ષનો દાવો

September 03, 2024

વ્હિસલ બ્લોઅર હિંડનબર્ગના ચકચારી રિપોર્ટ બાદ સવાલોના ઘેરામાં આવી ગયેલાં સેબીના ચેરમેન માધવી પુરી પર હવે કોંગ્રેસે પણ ગંભીર આરોપ લગાવ્યા છે. સોમવારે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે માધવી પુરીએ 2017થી 2024 દરમિયાન આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી સતત પગાર લીધો છે.

તેણે દાવો કર્યો હતો કે આ સાત વર્ષ દરમિયાન સેબી ચીફે આઈસીઆઈસીઆઈ પાસેથી રૂ. 16.80 કરોડની કમાણી કરી હતી. ખેડાએ દાવો કરેય હતો કે માધવી પુરી બુચે આઈસીઆઈસીઆઈ બેન્ક, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ અને સેબી પાસેથી એકસાથે પગાર મેળવ્યો છે. ખેડાએ જણાવ્યું હતું કે સેબી એક નિયમનકાર છે. મધ્યમ વર્ગ અને આપણે બધા જ્યાં નાણા લગાવીએ છીએ તે બજારને રેગ્યુલેટ કરવાની જવાબદારી સેબીની છે.

પવન ખેડાએ જણાવ્યું હતું કે માધવી બુચ 2017થી 2023ની વચ્ચે આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી કરોડો રૂપિયાની રેગ્યુલર ઇન્કમ લઇ રહી હતી અને ઇસોપ પર જે ટીડીએસ હતો તે પણ આ બેન્ક આપી રહી હતી. આ બાબત સીધી સેબીની કલમ-54નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેથી જો માધવી બુચમાં થોડી પણ શરમ હોય તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઇએ.