નવું વર્ષ 2025નાં પ્રારંભે વિશ્વની વસ્તી રેકોર્ડ બ્રેક 8.09 અબજ થઈ

January 01, 2025

નવા વર્ષ 2025નાં પ્રારંભે વિશ્વની વસ્તી રેકોર્ડ બ્રેક 8.09 અબજ થઈ છે. 2024માં આખા વર્ષ દરમિયાન વિશ્વની વસ્તીમાં 7.10 કરોડનો વધારો થયો હતો. અમેરિકાનાં સેન્સસ બ્યૂરોનાં જણાવ્યા મુજબ 2024માં દુનિયાની વસ્તીમાં 0.9 ટકાનો વધારો થયો હતો. જો કે 2023ની સરખામણીમાં તેમાં થોડો ઘટાડો થયો હતો. 2023માં વિશ્વની વસ્તી 7.5 કરોડ વધી હતી. જાન્યુઆરી 2025માં ગ્લોબલ ડેમોગ્રાફિક ટ્રેન્ડ પર નજર નાંખીએ તો દર સેકન્ડે સરેરાશ 4.2 જન્મ અને 2.0 મૃત્યુ થતા રહેશે. જેને કારણે વસ્તીમાં ચોખ્ખો સ્થિર વધારો નજીવો હશે.

ભારત 141 કરોડની વસ્તી સાથે નંબર વન
2024માં ભારતની વસ્તી 141 કરોડ રહી હતી.આમ વિશ્વમાં તે સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બન્યો હતો ભારતની વસ્તી આંકડાના સંદર્ભમાં 1,409,128,296 નોંધાઈ હતી જે ચીનની વસ્તીનાં આંક 1,407,929,929 કરતાં થોડી વધારે હતી. આમ ચીન સૌથી વધારે વસ્તી ધરાવતો બીજા નંબરનો દેશ બન્યો હતો. 34.11 કરોડની વસ્તી સાથે અમેરિકા ત્રીજા ક્રમે હતું.

વર્લ્ડ પોપ્યુલેશન ક્લોક
દર વર્ષનાં અંતે સેન્સસ બ્યૂરો દ્વારા વસ્તીનાં અંદાજિત આંકડા અપડેટ કરવામાં આવે છે. પોપ્યુલેશન ક્લોકનાં માસિક અંદાજમાં સુધારા કરાય છે અને તેમાં સતત ફેરફાર થતો રહે છે. જાન્યુઆરી 2025માં અમેરિકાની વસ્તીના અંદાજ મુજબ દર 21.2 સેકન્ડે 1 વ્યક્તિનો ઉમેરો થશે દર 9 સેકન્ડે એક વ્યક્તિનો જન્મ થશે અને 9.4 સેકન્ડે એકનું મૃત્યુ થશે. 23.2 સેકન્ડે એક વિદેશી માઇગ્રન્ટનો ઉમેરો થશે.