રશિયામાં સીરિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અસદને ઝેર આપી મારવાનો પ્રયાસ, શ્વાસ રુંધાયો

January 03, 2025

સીરિયા : સીરિયાના પદભ્રષ્ટ કરાયેલા રાષ્ટ્રપતિ બશર અલ-અસદની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સીરિયામાં બળવા પછી, બશરને તેમનું પ્રમુખપદ ગુમાવવું પડ્યું અને પોતાનો જીવ બચાવવા રશિયા ભાગી જવું પડ્યું. આ પછી સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિની પત્ની અસમા અલ-અસદે તેમની પાસેથી છૂટાછેડા માંગ્યા અને લંડન જઈને રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. હવે રશિયાની રાજધાની મોસ્કોમાં અસદને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 


તાજેતરના અહેવાલો અનુસાર, મોસ્કોમાં અસદને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સીરિયાના 59 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિની તબિયત રવિવારે નોંધપાત્ર રીતે બગડી હતી. અસદને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને ખૂબ ઉધરસ પણ આવી રહી હતી. આવી સ્થિતિમાં તરત જ તેમના એપાર્ટમેન્ટમાં ડૉક્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. ડૉક્ટરને તપાસ દરમિયાન સામે આવ્યું કે અસદના શરીરમાં ઝેર હતું, જેણે સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિને ઝેર આપીને મારવાના પ્રયાસની પુષ્ટિ કરી છે. અસદના શરીરમાં ઝેર હોવાની પુષ્ટિ થતાં તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ સોમવારે તેમની સ્થિતિમાં સુધારો આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હવે સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિની તબિયતમાં સુધારો થયો છે અને તેઓ ખતરાથી બહાર છે.