આ તલાક નહીં, ખુલા હતા', શોએબ મલિકના સંબંધો પર સાનિયા મિર્ઝાના પિતાનું નિવેદન

January 20, 2024

શોએબ મલિકે ત્રીજા લગ્ન કર્યા, સાનિયા મિર્ઝા સાથેના સંબંધોનો અંત આવ્યાના અહેવાલો


નવી દિલ્હી : ભારતની દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે તલાકની અફવા વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે ત્રીજા લગ્ન કરી લીધા છે. શોએબ મલિકે પાકિસ્તાનની ફેમસ એક્ટ્રેસ સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. આવી સ્થિતિમાં શું સાનિયા મિર્ઝા હવે શોએબથી અલગ થઈ ગઈ છે? શું તેના તલાક થઈ ગયા છે? આ તમામ સવાલો વચ્ચે સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ એક નિવેદન આપ્યુ છે.


એક સમાચાર એજન્સી સાથે વાત કરતા ઈમરાન મિર્ઝાએ જણાવ્યું કે, 'આ તલાક નહીં, ખુલા હતા'. તલાક અને ખુલા વચ્ચે વધારે અંતર નથી. 'ખુલા' હેઠળ એક મુસ્લિમ મહિલાને પોતાના પતિને એકતરફી તલાક આપવાનો અધિકાર છે. 'ખુલા'ની ઈચ્છા માત્ર પત્ની જ રાખી શકે છે. આ જ નિર્ણય જ્યારે પતિ તરફથી આવે ત્યારે તેને તલાક કહેવાય છે. તલાક બાદ પણ સતત ત્રણ મહિના સુધી પત્ની અને શૌહરના ઘરમાં રહે છે. 'કુરાન' અને 'હદીસ'માં પણ તેનો ઉલ્લેખ છે.  સાનિયાના પિતાના નિવેદન પરથી એ સ્પષ્ટ થઈ ગયુ છે કે, સાનિયા દ્વારા જ અલગ થવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાનિયા શોએબ મલિકની બીજી પત્ની છે. આ પહેલા તેણે ભારતની આયશા સિદ્દિકી સાથે લગ્ન કર્યા હતા. શોએબે 2010માં સાનિયા સાથે લગ્ન કર્યા હતા. સાનિયા સાથે લગ્ન કરતા પહેલા શોએબે 2010માં પહેલી પત્ની આયેશા સિદ્દિકીને તલાક આપી દીધા હતા.