DPS,GD ગોયન્કા સહિત દિલ્હીની 40 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

December 09, 2024

બોમ્બ બ્લાસ્ટની ધમકીને કારણે દિલ્હીની બે મોટી શાળાઓ સહિત 40 શાળાઓમાં ગભરાટ ફેલાયો હતો. DPS આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોયન્કા સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. દિલ્હી ફાયર વિભાગને સવારે લગભગ 7 વાગ્યે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક કાર્યવાહી કરી બાળકોને પાછા મોકલી દીધા અને ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સવારે જ્યારે બાળકો શાળાએ પહોંચ્યા ત્યારે તેમને પાછા મોકલી દેવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે ત્યાં ઈમરજન્સી છે અને તેથી સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે.

માહિતી મળ્યા બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમો શાળાએ પહોંચી હતી અને પરિસરની તપાસ કરી હતી. જો કે, હાલમાં કોઈ વિસ્ફોટકની શોધની પુષ્ટિ થઈ નથી. તપાસ ચાલુ છે, અને ઈ-મેલ મોકલનારને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ શાળાઓમાં તકેદારી વધારી દેવામાં આવી છે.

દિલ્હીની 40થી વધુ શાળાઓને 8 ડિસેમ્બરના રોજ લગભગ 11:38 વાગ્યે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમના કેમ્પસમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. મેલમાં કહેવામાં આવ્યું હતું કે જો બોમ્બ વિસ્ફોટ થશે તો મોટું નુકસાન થશે. મેલ મોકલનારે બ્લાસ્ટ રોકવાના બદલામાં 30 હજાર ડોલરની માંગણી કરી હતી.