કેનેડાના વિઝા માટે ખોટા બાયોમેટ્રીક મામલે VFS કંપનીના બે કર્મચારી સહિત 3ની ધરપકડ

July 19, 2023

ત્રણેય લોકોએ ભેગા મળી 28 યુવક યુવતીઓના ખોટી રીતે બાયોમેટ્રિક લેટર આપ્યા હતા


બોગસ બાયોમેટ્રિક બનાવવા માટે આરોપી મેહુલ ભરવાડ કર્મચારીઓને વ્યક્તિ દીઠ 7 હજાર રૂપિયા આપતો હતો

અમદાવાદઃ હાલમાં ગેરકાયદે અમેરિકા જવામાં કેટલાક ગુજરાતીઓ ગુમ થયા હોવાનો મામલો ચર્ચામાં છે. ત્યારે વિદેશ મોકલવા માટેનું વધુ એક છેતરપિંડીનું નેટવર્ક પકડાયું છે. કેનેડા જવા ઈચ્છતા 26 લોકો સાથે ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. બાયમેટ્રિક લેટરપેડ બનાવીને ઠગાઈ આચરવામાં આવી હોવાનું ક્રાઈમ બ્રાંચને જાણવા મળતાં કાર્યવાહી કરવામાં આવી છે. કેનેડા હાઈકમિશન તરફથી માહિતી મળતાં જ આ મામલો સામે આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે તપાસ કરીને VFS ઓફિસના બે કર્મચારી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને ધરપકડ કરાઈ હતી. જો કે  VFS કંપની એ પોતાની ભૂલ સ્વીકારી સિસ્ટમનો દોષ કાઢ્યો હતો. 
કેનેડા જવા માટે બનાવેલી ઓનલાઇન પ્રોફાઈલ બાદ તમામનુ બાયોમેટ્રિક કરવામા આવતુ હોય છે. પરંતુ એજન્ટ અને VFS કંપનીના કર્મચારીઓ ભેગા મળીને બાયોમેટ્રિક માટે કોઈપણ તકલીફ હોય તો તેને બાયપાસ કરી ખોટી રીતે બાયોમેટ્રિક લેટર બનાવી આપતા હતા. જે અંગે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી VFS કંપનીના કર્મચારી મેલ્વિન ક્રિષ્ટિ, સોહેલ દિવાન અને એજન્ટ મેહુલ ભરવાડની ધરપકડ કરી છે. મેલ્વિન અને સોહેલ બંને VFS ગ્લોબલ કંપનીમાં જુના કર્મચારી છે. જ્યારે મેહુલ પૂર્વ કર્મચારી અને અત્યારે એજન્ટ તરીકે લોકોને વિઝા અપાવવાનું કામ કરે છે. ત્રણેય લોકોએ ભેગા મળી 28 યુવક યુવતીઓના ખોટી રીતે બાયોમેટ્રિક લેટર આપ્યા હતા. જે અંગેની ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી છે.
પકડાયેલ આરોપી મેલ્વિન ક્રિસ્ટી અને સોહેલ દિવાનની પૂછપરછ કરતા સામે આવ્યું કે બોગસ બાયોમેટ્રિક બનાવવા માટે આરોપી મેહુલ ભરવાડ તેમને એક વ્યક્તિ દીઠ 7 હજાર રૂપિયા આપતો હતો. જેમાં બાયોમેટ્રિક કરવા ગયેલ યુવક-યુવતીઓને VFS ઓફિસમાં જનરલ એન્ટ્રી કર્યા વગર જ ઓફિસની પાછળથી અંદર લઈ જવામાં આવતા હતા. જે બાદ VFS ઓફિસના સર્વરમાં કોઈ વ્યક્તિઓની કોઈપણ જાતની એન્ટ્રી કર્યા વગર બાયોમેટ્રિક આપી દેતા હતા. જો કે VFS કંપની કર્મચારીની મિલીભગત કારણે સિસસ્ટમ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. કારણકે એક મહિનામાં જ 28 જેટલા લોકોના બાયોમેટ્રિક થઈ ગયા બાદ સમગ્ર હકીકત સામે આવી છે.