મારા અસ્થિ કોર્ટ બહાર ફેંકી દેજો: પત્નીના ત્રાસથી પતિનો આપઘાત

December 10, 2024

દેશભરમાં હાલ મહિલાઓ માટે બનાવવામાં આવેલા કાયદાના દુરૂપયોગ અને કોર્ટમાં લાંબા સમય સુધી ચાલી રહેલા કેસ તેમજ તારીખ પર તારીખ વાળી સિસ્ટમ ખૂબ જ ચર્ચામાં છે. કારણકે, કાયદા અને વ્યવસ્થાની આ ખામીના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. હકીકતમાં, અતુલ સુભાષ નામના વ્યક્તિએ 40 પાનાની સુસાઇડ નોટ લખી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. જેનાથી તેની માનસિક પીડાનો અંદાજો લગાવી શકાય છે. યુવકે પોતાની પત્નીના ત્રાસ, જૂઠા કેસ અને કોર્ટમાં તારીખ પર તારીખથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું છે. 

કર્ણાટકના બેંગલુરુના રહેવાસી અતુલ સુભાષના લગ્ન ઉત્તર પ્રદેશના જૌનપુરની રહેવાસી નિકિતા સિંઘાનિયા સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ સુધી તો બધું બરાબર ચાલ્યું, પછી નિકિતા અચાનક બેંગલુરુથી પાછી જૌનપુર જતી રહી. તેણે પોતાના પતિ અતુલ અને સાસરીવાળાની સામે દહેજ ઉત્પીડન અને ઘરેલું હિંસાનો કેસ કરી દીધો. 

અતુલ સુભાષે પોતાની આત્મહત્યા પહેલાં બનાવેલા વીડિયોમાં જણાવ્યું કે, 'મારી મોત માટે મારી પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળો અનુરાગ અને કાકાજી સસરા સુશીલ સિંઘાનિયા જવાબદાર છે. પૈસા પડાવવા માટે મારી પત્ની અને સાસરીવાળાઓએ કાવતરૂ ઘડ્યું. તેના પરિવારે મને જૂઠા કેસમાં ફસાવી દીધો. મારી અને મારા પરિવારની જિંદગી બર્બાદ કરી દીધી.'

પોતાના વીડિયોમાં અતુલે જણાવ્યું કે, 'અત્યાર સુધી 120 કેસની તારીખ આપવામાં આવી છે અને 40 વાર ખુદ હું બેંગલુરુથી જૌનપુર જઈ આવ્યો છું. આ સિવાય મારા માતા-પિતા અને ભાઈને પણ કોર્ટના ધક્કા ખાવા પડી રહ્યાં છે. આ વાત જાણીને નવાઈ લાગશે કે, મોટાભાગની તારીખે તો કોર્ટમાં કંઈ થતું જ નથી. ક્યારેક જજ નથી હોતા અને ક્યારેક હડતાળ હોય છે. સુનાવણી દરમિયાન કોઈપણ પક્ષનો વકીલ આગળની તારીખની ડિમાન્ડ કરી શકે છે. મને વર્ષમાં ફક્ત 23 રજા જ મળે છે અને હવે હું આ સિસ્ટમથી થાકી ગયો છું.'