આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 40 રૂપિયા સુધીનો ઘટાડો

April 01, 2025

1 એપ્રિલ, 2025થી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી લઈને મુંબઈ અને ચેન્નાઈ સુધીના તમામ મહાનગરોમાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 40 રૂપિયા સુધીનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગયા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં છેલ્લે માર્ચ 2024માં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પછી છેલ્લા 11 મહિનામાં એલપીજીની કિંમત સ્થિર રહી છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન પાસેથી મળેલી માહિતી અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે 1762 રૂપિયા થઈ ગઈ છે અને તેમાં 41 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.જ્યારે કોલકાતામાં 44 રૂપિયા 50 પૈસાના ઘટાડા બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત 1860 રૂપિયા થઈ ગઈ છે.

જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 42 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, ત્યારબાદ તે હવે 1713 રૂપિયા 50 પૈસા થઈ ગયો છે. તો જો ચેન્નઈની વાત કરીએ તો 43 રૂપિયા 50 પૈસાના ઘટાડા બાદ સિલિન્ડરની નવી કિંમત 1921 રૂપિયા 50 પૈસા થઈ ગઈ છે. 

અહીં, જો ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતો વિશે વાત કરીએ, તો હાલમાં તે દિલ્હીમાં 803 રૂપિયા, મુંબઈમાં 802 રૂપિયા 50 પૈસા, કોલકાતામાં 829 રૂપિયા અને ચેન્નાઈમાં 818 રૂપિયા 50 પૈસામાં ઉપલબ્ધ છે. 9 માર્ચ 2024ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં લગભગ 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.