ટ્રમ્પ અને તેમના સંરક્ષણ મંત્રી મોટી મુશ્કેલીમાં ફસાયા, 11 લોકોની 'હત્યા'નો આરોપ લાગ્યો

December 07, 2025

વેનેઝુએલા : વેનેઝુએલાથી ડ્રગ્સને અમેરિકા આવવાની સામે અભિયાન ચલાવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે. આ મામલો 2 સપ્ટેમ્બરે એક બોટ પર અમેરિકન હુમલાની સાથે શરૂ થયો હતો. અમેરિકન સરકારના જણાવ્યા અનુસાર, આ બોટમાં ડ્રગ્સ હતું અને તેને અમેરિકામાં લાવવામાં આવી રહી હતી. પરંતુ, હવે આ મામલે નવા અહેવાલ સામે આવ્યા છે, જે અનુસાર જે બોટ પર હુમલો કરી ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી તે અમેરિકા જઈ જ નહોતી રહી. 


અમેરિકન ન્યૂઝ મીડિયાના અહેવાલ અનુસાર, આ ઓપરેશનની કમાન સંભાળનારા એડમિરલે સેનેટર્સને જણાવ્યું કે, આ બોટ દક્ષિણ અમેરિકન દેશ સુરીનામ તરફ જતા મોટા જહાજ તરફ જઈ રહી હતી. નોંધપાત્ર વાત એ છે કે, અમેરિકન નૌકાદળના હુમલામાં તેમાં સવાર 11 લોકો માર્યા ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાનો એક વીડિયો શેર કરતા લખ્યું હતું કે, "આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે વેનેઝુએલાથી આ ઓળખાયેલા નાર્કો-આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય જળસીમા પાર કરીને અમેરિકા તરફ ડ્રગ્સ (એક ઝેર જે અમેરિકનોને મારી નાખે છે!) લાવી રહ્યા હતા. આ હિંસક ડ્રગ-તસ્કરી કરનારા કાર્ટેલ અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને મહત્ત્વપૂર્ણ અમેરિકન હિતો માટે જોખમ છે. આ હુમલામાં ત્રણ પુરુષ આતંકવાદીઓ માર્યા ગયા." અહેવાલો અનુસાર, એડમિરલે જણાવ્યું કે, બોટ બીજા જહાજ તરફ જઈ રહી હતી. પરંતુ, નૌકાદળ તેની ઓળખ કરી શકી નહીં. જોકે, એ વાતની સંભાવના છે કે, બોટ સૂરીનામથી અમેરિકા તરફ જઈ શકતી હતી. પરંતુ, સામાન્ય રીતે સૂરીનામથી જતા ડ્રગ્સના રસ્તા યુરોપ તરફ જાય છે.