ભારતને રેસિપ્રોકલ ટેરિફમાં રાહત આપશે અમેરિકા? વેપાર સમજૂતી માટે દિલ્હી આવી રહ્યા છે અધિકારીઓ

March 25, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ (ટિટ ફોર ટેટ) લગાવવાનું એલાન કરી ચૂક્યા છે. આ પાછળ ટ્રમ્પનો ઈરાદો એવા દેશોની પ્રોડક્ટ પર ટેરિફ લગાવવાનો છે જેઓ અમેરિકન પ્રોડક્ટ પર ભારે ટેરિફ લગાવે છે. આ વચ્ચે હવે ભારત સરકાર અમેરિકા દ્વારા લગાવવામાં આવી રહેલા રેસિપ્રોકલક ટેરિફમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરશે. આ મામલે ચર્ચા કરવા માટે અમેરિકન અધિકારીઓનું એક ગ્રુપ આજે ભારત આવી રહ્યું છે. આ વાતચીતનો હેતુ દ્વિપક્ષીય વેપાર કરાર (bilateral trade agreement) પર વાટાઘાટો કરવાનો છે. અમેરિકાથી ભારત આવી રહેલા ગ્રુપમાં અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયા બાબતોના સહાયક વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચ અને તેમની સાથે અમેરિકન અધિકારીઓની ટીમ 25 થી 29 માર્ચ સુધી ભારતના પ્રવાસે રહેશે. અમેરિકન દૂતાવાસ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. ભારત સરકાર આ દરમિયાન અમેરિકન અધિકારીઓ સમક્ષ એ રજૂઆત કરશે કે ભારતને અમેરિકા દ્વારા લાદવામાં આવતા રેસિપ્રોકલ ટેરિફમાંથી રાહત આપવામાં આવે. આ ટેરિફ 2 એપ્રિલથી લાગુ થવા જઈ રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે એક બાયલિટરલ ટ્રેડ ડીલની રૂપરેખા પર ચર્ચા થશે. ત્યારબાદ આ કરાર પર ઔપચારિક વાટાઘાટો શરૂ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બ્રેન્ડન લિંચ ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે પણ મુલાકાત કરી શકે છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે,  'અમે અમેરિકન પ્રતિનિધિમંડળ સાથે વધુ સારી ચર્ચાની આશા રાખીએ છીએ અને તેનાથી કંઈક હાંસલ થશે. આનાથી આપણા દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધો વધુ મજબૂત થઈ શકે છે.'