ઝેલેન્સ્કી, સોમવારે મેક્રોંને મળવા પેરિસ પહોંચશે : યુક્રેન શાંતિ-મંત્રણા વિષે ચર્ચા કરશે

December 01, 2025

દરમિયાન યુક્રેનનું પ્રતિનિધિ મંડળ અમેરિકા પહોંચશે અને ત્યાં પ્રમુખ ટ્રમ્પે રજૂ કરેલી શાંતિ યોજના વિષે વરિષ્ઠો સાથે ચર્ચા કરશે કીવ: પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી સોમવારે પેરિસ જવાના છે અને ત્યાં ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં સાથે રશિયા, યુક્રેન યુદ્ધનો અંત લાવવા વિષે ચર્ચા કરશે. બીજી તરફ ફ્રાંસની સમાચાર ચેનલ ફ્રાંસ-૨૪ જણાવે છે કે પ્રમુખનાં એલીસી પેલેસ સ્થિત કાર્યાલયે જણાવ્યું છે કે પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રમુખ ઝેલેન્સ્કી અમારે લશ્કરી તેમજ રાજકીય દ્રષ્ટિએ પણ ઘણા ભીંસાઈ ગયા છે. તેમાયે ગઇકાલની કાળા સમુદ્રમાં બનેલી (ઓઇલ ટેન્કરોને લગાડેલી આગ) ઘટનાથી પરિસ્થિતિ ઘણી જ ગૂંચવાઈ ગઈ છે. આમ છતાં યુક્રેન રશિયા યુદ્ધમાં લાંબો સમય સુધી ટકી રહે તેવી શાંતિ સ્થાપવા માટે ચર્ચા કરશે. દરમિયાન યુક્રેનનું એક વરિષ્ઠ પ્રતિનિધિ મંડળ અમેરિકા પહોંચી અમેરિકાના વરિષ્ઠ નેતાઓ કે તેનાં વરિષ્ઠ પ્રતિનિધિ મંડળ સાથે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રજૂ કરેલી ૨૮ મુદ્દાઓની દરખાસ્ત વિષે પણ ચર્ચા કરશે. આંચકાજનક બાબત તે છે કે ઝેલેન્સ્કીનું નિકટ વર્તી સાથી અને યુક્રેનમાં સત્તા સ્થાનોમાં બીજા ક્રમે રહેલા, પ્રમુખના ચીફ ઓફ સ્ટાફ આંદ્રી યેરમકે તેમના પદનું ત્યાગપત્ર આપી દીધું છે. આ પાછળનું કારણ તે હોવાનું કહેવાય છે કે થોડા દિવસો પૂર્વે યેરમકનાં નિવાસ સ્થાન ઉપર ઝેલેન્સ્કીએ તપાસ અધિકારીઓને મોકલ્યા હતા. તેમની ઉપર ભ્રષ્ટાચારની શંકા હોવાથી નેશનલ એન્ટી કરપ્શન બ્યુરો ઓફ યુક્રેન (એનએબીયુ) તથા સ્પેશ્યલાઇઝડસ એન્ટી કરપ્શન પ્રોસિક્યુટર્સની ઓફીસ (એસ.એ.પી.ઓ.)ના અધિકારીઓ તે દરોડામાં જોડાયા હતા. જો કે તેમાં કશું વાંધાજનક મળ્યું હોવાનું જાણવા મળ્યું નથી. પરંતુ આથી ગુસ્સે થયેલા યેરમાકે ત્યાગપત્ર આપી દીધું છે. તેથી ઝેલેન્સ્કીનો એક મજબૂત રાજકીય સાથી ચાલ્યો ગયો. આ એક તરફથી લશ્કરી રીતે તો બીજી તરફથી  રાજકીય રીતે પણ યુક્રેનના પ્રમુખ ભીંસાઈ રહ્યા છે.