સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશ પોતાની સંપત્તિની જાહેરાત કરશે : સીજેઆઈ

April 05, 2025

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પોતાની સંપત્તિની વિગતો જાહેર કરવા પર સહમતી વ્યક્ત કરી છે. દેશની ટોચની અદાલતમાં યોજાયેલી ન્યાયાધીશોની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં સીજેઆઈ સંજીવ ખન્ના સહિત 30 ન્યાયાધીશોએ પોતાની સંપત્તિઓને સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર પ્રસિદ્ધ કરીને તેને જાહેર રીતે પ્રગટ કરવા માટે સહમતી આપી હતી.

સર્વોચ્ચ અદાલતની વેબસાઇટ અનુસાર પહેલી એપ્રિલના રોજ યોજાયેલી બેઠકમાં ન્યાયાધીશોએ સંકલ્પ કર્યો હતો કે ન્યાયાધીશ જ્યારે પણ પદભાર ગ્રહણ કરશે અથવા તો કોઈ મહત્ત્વની જવાબદારી લેશે ત્યારે તેણે ચીફ જસ્ટિસ સામે પોતાની સંપત્તિની જાહેરાત કરવી પડશે. અત્યાર સુધી 1997ના એક પ્રસ્તાવ પ્રમાણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પોતાની સંપત્તિની જાહેરાત મુખ્ય ન્યાયાધીશ સમક્ષ કરવી પડતી હતી.

જે ન્યાયાધીશોએ પોતાની સંપત્તિ જાહેર કરી દીધી છે તેમાં ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઇ, જસ્ટિસ બી.વી. નાગરત્ના, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.કે. મહેશ્વરીનો સમાવેશ થાય છે. જાહેરાતનો સંપૂર્ણ સેટ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે આ પગલું જસ્ટિસ યશવંત વર્માની ઘટના બન્યા બાદ ઉઠાવ્યું છે.