ટ્રમ્પના ટેરિફ વૉરથી 50 દેશો ચિંતિત, વાતચીત માટે તૈયાર હોવાનો અમેરિકાનો મોટો દાવો

April 07, 2025

અમેરિકાના ટોચના વહીવટી અધિકારીઓએ  જણાવ્યું હતું કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા ટેરિફ લાદ્યા બાદ 50 થી વધુ દેશોએ વેપાર અંગે વાટાઘાટો શરૂ કરવા માટે વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી ટ્રમ્પે વિશ્વભરના દેશો સામે ટેરિફનું એલાન કર્યું છે ત્યારથી અમેરિકા સહિત વિશ્વભરના શેરબજારમાં મોટા કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે અને ફરી એકવાર મંદી ઘેરાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.  એક શૉ દરમિયાન ટ્રમ્પના ટોચના આર્થિક સલાહકારોએ ટેરિફને વૈશ્વિક વેપાર પ્રણાલીમાં અમેરરિકાને સમજદારીપૂર્વક પુનઃસ્થાપિત કરવા માટેના પ્રયાસો તરીકે ચિત્રિત કરવાનો પ્રયાસ કર્યો. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે કહ્યું કે ગત બુધવારની જાહેરાત બાદથી 50થી વધુ દેશોએ અમેરિકા સાથે વાટાઘાટો શરૂ કરી છે, જેનાથી ટ્રમ્પને તાકાત મળી છે. જોકે, એ 50 દેશો કયા છે જે ટ્રમ્પ અને અમેરિકા સાથે ટેરિફ મુદ્દે વાટાઘાટો માટે તૈયાર છે તેના વિશે બેસન્ટ અને અન્ય અધિકારીઓ કોઈ વિગત આપવામાં અક્ષમ સાબિત થયા હતા. તેમજ મંત્રણા અંગે કોઈ વિગતવાર માહિતી આપી ન હતી. પરંતુ એકસાથે અનેક દેશો સાથે વાટાઘાટો કરવી ટ્રમ્પના વહીવટીતંત્ર માટે પડકાર બની શકે છે અને આર્થિક અનિશ્ચિતતામાં વધારો કરી શકે છે. બેસન્ટે શેરબજારના કડાકાને નકારી કાઢતાં કહ્યું કે ટેરિફના આધારે મંદીની અપેક્ષા રાખવાનું કોઈ કારણ નથી, ગયા મહિને ટેરિફની જાહેરાત થઈ તે પહેલાં અમેરિકામાં રોજગારી વધી હતી. ટ્રમ્પે અમેરિકન આયાત પર વ્યાપક ટેરિફની જાહેરાત કરીને વિશ્વભરની અર્થવ્યવસ્થાઓને હચમચાવી દીધી હતી, જેના કારણે ચીન તરફથી વળતો ટેરિફ લાદવામાં આવ્યો હતો. આ પછી વૈશ્વિક વેપાર યુદ્ધ અને મંદીની આશંકા ઊભી થઈ.