અમેરિકન કર્મચારીઓને ટ્રમ્પનું વિચિત્ર ફરમાન...ચીનીઓ સાથે રોમાન્સ કે ઈલુ ઈલુ ના કરતાં

April 04, 2025

હાલ આખી દુનિયા અમેરિકન ટેરિફ વોરની ચર્ચામાં મશગૂલ છે ત્યારે ટ્રમ્પ સરકારે ચીનમાં રહેલાં યુએસ મિશનોમાં કામ કરતાં કર્મચારીઓને એક ગુપ્ત આદેશમાં ચીનના સ્થાનિક નાગરિકો સાથે રોમાન્સ કે ખાનગી સંબંધો ન રાખવાનો આદેશ આપ્યો છે. જો કે, આ આદેશ ચીનની બહાર તહેનાત અમેરિકન કર્મચારીઓ પર લાગુ પડશે નહીં. જે લોકો અગાઉથી જ ચીની નાગરિકો સાથે સંબંધો ધરાવતાં હોય તેમણે આ પ્રતિબંધમાંથી છૂટ મેળવવા માટે અરજી કરવી પડશે. સરકારી આદેશ અનુસાર અમેરિકન સરકારી કર્મચારીને આવો કોઇ સંબંધ ખતમ કરવાની અથવા તેમનો હોદ્દો છોડવાની ફરજ પણ પાડી શકાશે. 
ટ્રમ્પ સરકારે આ નીતિને જાહેર કરી નથી પણ જાન્યુઆરીમાં જ અમેરિકન કર્મચારીઓને આ અંગે સૂચિત કરી દેવામાં આવ્યા હતા. યુએસ અને ચીન વચ્ચ વધતી જતી તંગદિલીનું આ પ્રતિબિંબ છે. હાલ ચીન અને અમેરિકા વચ્ચે વેપાર, ટેકનોલોજી અને દુનિયા પર પોતાના પ્રભાવ વધારવા માટે હોડ ચાલી રહી છે. આ સંજોગોમાં જાસૂસી પ્રવૃત્તિને વેગ ન મળે તે માટે અમેરિકન સરકારે આ સાવચેતીનું પગલું ભર્યું છે.