'મસ્જિદ કે કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થાય...', વક્ફ બિલના મહત્ત્વના મુદ્દે ભાજપની સ્પષ્ટતા

April 05, 2025

વક્ફ (સુધારા) બિલ આખરે લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થઇ ગયું. ભારે વિવાદ વચ્ચે હવે ભાજપના સાંસદ અને પૂર્વ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આ બિલ મસ્જિદ અને કબ્રસ્તાન પર કોઈ અસર નહીં કરે. આ બિલ વક્ફ બોર્ડના કામકાજમાં પારદર્શકતા લાવશે. એક ઈન્ટરવ્યૂમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે 'કોઈ મસ્જિદ કે પૂજા સ્થળ કે પછી કોઈ કબ્રસ્તાનને વક્ફ બિલથી નુકસાન થવાનું નથી.' આ બિલના માધ્યમથી પારદર્શકતા વધશે અને વક્ફની સંપત્તિઓના નિરીક્ષણમાં સુધારો થશે. વક્ફ એક ધાર્મિક સંસ્થાન નથી પણ એક કાનૂની સંસ્થાન છે. વાત એકદમ સીધી છે કે વક્ફ બનાવનાર 'વકિફ' (એ વ્યક્તિ જે વક્ફની સ્થાપના કરે છે) નો ઉદ્દેશ્ય યોગ્ય રીતે અમલમાં આવી રહ્યો છે કે નહીં? શું મુતવલ્લી (વક્ફના મેનેજર) યોગ્ય રીતે તેનું મેનેજમેન્ટ કરે છે કે નહીં? રવિશંકરે સ્પષ્ટતા કરી કે વક્ફની સંપત્તિ પર કોઈનો વ્યક્તિગત અધિકાર નથી કેમ કે વક્ફ બનાવ્યા બાદ એ સંપત્તિ 'અલ્લાહ' નામે થઈ જાય છે. મુતવલ્લી ફક્ત નિરીક્ષક કે મેનેજર તરીકે કામ કરે છે. તેની પાસે સંપત્તિનો કોઈ અધિકાર નથી હોતો.