ખંડવામાં અવાવરું કૂવાની સફાઇ ઉતરેલા 8 લોકોનાં ઝેરીગેસથી મોત

April 05, 2025

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક કરુણ દુર્ઘટના સર્જાઇ છે. કૌંડાવત ગામમાં કૂવાની સફાઇ માટે ઉતરેલા આઠ લોકો કૂવામાં ડૂબી ગયા હતા. બચાવ ટીમે તમામના મૃતદેહ શોધી કાઢયા છે. પ્રાથમિક જાણકારી મુજબ કૂવામાં ઝેરી ગેસને કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. ઝેરી ગેસને કારણે મૂર્છિત થઇને તમામ પાણીમાં ડૂબી ગયા હતા. વહીવટી તંત્ર બચાવ ટુકડી સાથે તાકીદે સ્થળ પર પહોંચ્યું હતું.

મળતા અહેવાલ મુજબ 3 એપ્રિલના રોજ કોંડાવત ગામના લોકો ગણગોર વિસર્જનની તૈયારી માટે કુવાની સફાઇ માટે નીચે ઉતર્યા હતા. કૂવો અવાવરું અને લાંબા સમયથી બંધ પડયો હતો. તેની સફાઇ નહોતી થઇ. કૂવામાં જમા થયેલા કોહવાયેલા કચરાને કારણે ઝેરી ગેસ બન્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. 

સ્થાનિક લોકોએ જણાવ્યા મુજબ ઝેરી ગેસને કારણે કૂવામાં ઉતરેલા આઠ લોકો મૂર્છિત થયા હતા. તે પછી પાણીમાં ડૂબી ગયા હતા. લાંબો સમય થવા છતાં કોઇ કૂવામાંથી બહાર ના આવતા ગ્રામીણો હાંફળાફાંફળા થઇ ગયા હતા. તેમણે વહીવટીતંત્રને ઘટનાની જાણકારી આપી હતી.