દેશભરમાં ગરમીથી લોકો ત્રાહિમામ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં પલટો

April 09, 2025

દેશભરમાં ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે અને એપ્રિલ મહિનામાં જ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. મંગળવારે દિલ્હી-એનસીઆરમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 5.9 ડિગ્રી વધારે હતું. આ તાપમાન સાથે, મંગળવાર, ૮ એપ્રિલ છેલ્લા ૩ વર્ષમાં સિઝનનો સૌથી ગરમ દિવસ અને એપ્રિલ મહિનાનો સૌથી ગરમ દિવસ તરીકે નોંધાયો હતો. પંજાબમાં તાપમાન 43 ડિગ્રી અને રાજસ્થાનમાં 46 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હીટવેવથી અત્યારથી જ લોકોના હાલ બેહાલ છે. બપોરે રસ્તાઓ સુમસામ થવા લાગ્યા છે.

ગુજરાત અને મહારાષ્ટ્રનું તાપમાન પણ 40 થી 45 ની વચ્ચે છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયો છે, જેના કારણે 10 એપ્રિલથી દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં હવામાન બદલાશે. આજે, કાલે અને પરમ દિવસે આકાશ વાદળછાયું રહેશે અને હળવો વરસાદ ગરમીથી રાહત આપી શકે છે. આજે, કાલે અને પરમ દિવસે ત્રણ પહાડી રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષા થવાની સંભાવના છે.

આ રાજ્યોમાં ગરમી પડશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગોવા, કોંકણ, વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળમાં આગામી 3 દિવસ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. આ રાજ્યોમાં હીટવેવ એલર્ટ રહેશે.

આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
પૂર્વ, ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગાણા, કર્ણાટક, આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, મિનોરમ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, જમ્મુ અને કાશ્મીરમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાદળો ગાજવીજ અને વીજળી સાથે વરસાદ વરસી શકે છે. બિહારમાં કરા પડવાની શક્યતા છે.