ટ્રમ્પના અભૂતપૂર્વ વિરોધના અનેક કારણ , 1400થી વધુ રેલીમાં 6 લાખ લોકોના દેખાવ

April 08, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ-નીતિઓને પગલે અમેરિકામાં વિરોધનો જબ્બર વંટોળ ફૂંકાયો છે. દેશ અને દુનિયાને મંદી તરફ ધકેલી રહેલા ટ્રમ્પ વિરુદ્ધ દેખાવો કરવા માટે લાખો અમેરિકનો રસ્તા પર ઉતરી ગયા છે. અમેરિકાના વોશિંગ્ટનથી વિસ્કોન્સિન અને અલાસ્કાથી અલાબામા સુધી ટ્રમ્પનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. અમેરિકાની દાદાગીરી સહન કરીને થાકેલા બીજા પણ અનેક દેશોએ ટ્રમ્પ વિરુદ્ધ મોરચો છેડી દીધો છે. ક્યાંક 43 ડિગ્રી ગરમી હતી, તો ક્યાંક હાડ થીજાવતો પવન, તો ક્યાંક વરસતા વરસાદમાં પણ લોકોએ રસ્તા પર નીકળીને ટ્રમ્પ સરકાર વિરુદ્ધ હલ્લાબોલ કર્યું હતું. 
આ પ્રચંડ વિરોધના મૂળમાં ફક્ત ટેરિફ કે મંદી જ નહીં, પરંતુ બીજા પણ અનેક કારણ જવાબદાર છે.  


'ઈન્ડિવિઝિબલ' અને 'મૂવઓન' જેવા નાગરિક અધિકાર સંગઠનો, સર્વિસ એમ્પ્લોઈઝ ઈન્ટરનેશનલ યુનિયન (SEIU) જેવા મજૂર સંગઠનો, 'ગ્રીનપીસ' જેવી પર્યાવરણવાદી સંસ્થાઓ, મહિલા અધિકાર સંગઠનો, સિનિયર સીટિઝન્સ સંસ્થાઓ, LGBTQ+ ના ટેકેદારો જેવા વિવિધ ક્ષેત્રના 150થી વધુ જૂથે ગઠબંધન કરીને સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધનું આયોજન કર્યું અને પાંચમી એપ્રિલે તે સુપેરે પાર પાડ્યું. ટ્રમ્પ માટે વિરોધ એ કોઈ નવી વાત નથી, પરંતુ કોઈ અમેરિકન પ્રમુખનો આટલી મોટી સંખ્યામાં લોકો વિરોધ કરતા હોય એવું તો પહેલીવાર જ બન્યું છે. 


આ લોકોએ ટ્રમ્પની સાથે ટેસ્લાના માલિક ઈલોન મસ્કને પણ આડે હાથ લઈ લીધા છે. આ લોકોના વિરોધમાં દેશ-વિદેશમાં 1200થી વધુ રેલી યોજાઈ હતી, જેમાં 6 લાખ લોકોએ ભાગ લીધો હતો.