UAEના ક્રાઉન પ્રિન્સ PM મોદીને મળ્યા

April 09, 2025

દુબઇના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન મંગળવારે ભારત પહોંચ્યા હતાં. દિલ્હીમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. આ સાથે બન્ને નેતાઓએ બન્ને દેશ વચ્ચેના સંબંધોમાં મજબૂતાઈ પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેખ હમદાન સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે શેખ હમદાનની ભારત યાત્રાએ ભારત અને સંયુક્ત આરબ અમીરાત(યુએઇ)ની વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સહયોગને વેગ આપ્યો છે.

ભારત અને સંયુક્ત આરબ અમિરાતના સંબંધો અને અન્ય ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મંગળવારે દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન ભારત પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદીને મળ્યા બાદ શેખ મોહમ્મદે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ખુશી થઈ છે.

અમારી વાતચીત યુએઇ અને ભારત વચ્ચેના સંબંધોની મજબૂતાઈને દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે આ સંબંધ વિશ્વાસ પર આધારિત છે, જે ઇતિહાસ દ્વારા આધારિત થયાં છે અને અમારા સમાન દ્રષ્ટિકોણથી પ્રેરિત છે, તેમાં તકો, ઇનોવેશન તથા સ્થાયી સમૃદ્ધિની દિશામાં એક બહેતર ભવિષ્ય બનાવવાનું લક્ષ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સ શેખ હમદાનની વડાપ્રધાન નરેન્દ્ર સાથેની મુલાકાત દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને વિદેશપ્રધાન એસ. જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતાં.